Ram Mandir: રામલલા આજે પરિસરમાં ભ્રમણ કરશે, શુદ્ધિકરણ બાદ બાંધવામાં આવી મૂર્તિની આંખો પર પટ્ટી
Ram Mandir: પસંદ કરેલી મૂર્તિને શુદ્ધ કરતી વખતે તેની આંખો પર પટ્ટી બાંધવામાં આવી છે, આ પટ્ટી 22 જાન્યુઆરીએ ખોલવામાં આવશે
Ram Mandir: રામલલાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની સાત દિવસની પૂજન વિધિ મંગળવારથી પ્રાયશ્વિત પૂજા અને કર્મકુટી પૂજા સાથે શરૂ થઈ હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડૉ.અનિલ મિશ્રને પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન બનાવવામાં આવ્યા છે. મંગળવારે લગભગ ત્રણ કલાક સુધી પ્રાયશ્ચિત પૂજા થઈ હતી. આ પછી યજમાનને સરયુ સ્નાન કરાવવામાં આવ્યું હતું. મૂર્તિ નિર્માણ સ્થળનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. પસંદ કરેલી મૂર્તિને શુદ્ધ કરતી વખતે તેની આંખો પર પટ્ટી બાંધવામાં આવી છે, આ પટ્ટી 22 જાન્યુઆરીએ ખોલવામાં આવશે.
વિવેક સૃષ્ટિ કેમ્પસમાં આચાર્ય અરુણ દીક્ષિતના માર્ગદર્શન હેઠળ બપોરે 1 કલાકે પ્રાયશ્ચિત પૂજાનો પ્રારંભ થયો હતો. આ દરમિયાન મુખ્ય યજમાન ડો.અનિલ મિશ્રએ સપત્નીક સંકલ્પ લીધો અને પૂજન શરૂ કર્યું હતું. આ પૂજા તે સ્થળે થઈ હતી જ્યાં રામલલાની પસંદ કરેલી સ્થાવર મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. પૂજા દરમિયાન શિલ્પકાર અરુણ યોગીરાજ પણ હાજર હતા. પ્રાયશ્ચિત પૂજા ભગવાન તરફથી ક્ષમા અને યજમાનની શુદ્ધિ માટે છે. રામલલા પાસે તપશ્ચર્યા દ્વારા ક્ષમા માંગવામાં આવી હતી. છીણી, હથોડી અથવા અન્ય કોઈનો ઉપયોગ કરીને મૂર્તિ બનાવતી વખતે તેમને કોઈ ઈજા થઈ હોય તો તે માટે આ માફી માંગવામાં આવે છે. આ પછી કર્મકુટી પૂજા કરાઇ હતીય આ પૂજા પછી જ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડાયેલા કાર્યક્રમની શરૂઆત થઇ હતી.
યજમાનને દશવિધી સ્નાન કરાવવામાં આવ્યું હતું
પૂજા બાદ મુખ્ય યજમાન ડો.અનિલ મિશ્ર સરયુ કિનારે પહોંચ્યા હતા જ્યાં તેમને દશવિધિ સ્નાન કરાવવામાં આવ્યું હતું. યજમાનને પહેલા ગૌમૂત્રથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. આ પછી ગોદુગ્ધા, ગોદધી, ગોઘૃત, કુશોદક, ભસ્મ, માટી અને મધથી સ્નાન કર્યા પછી અંતે સરયુ જળથી સ્નાન કરાવવામા આવ્યું. આ દરમિયાન તપ આરાધના સંબંધિત મંત્રોના જાપ ગૂંજી રહ્યા હતા. ગોદાન વિધિ પણ યજમાન દ્વારા કરવામાં આવી હતી. વિવેક સૃષ્ટિથી શરૂ થયેલી વિધિ હવે બુધવારથી રામજન્મભૂમિ સંકુલમાં કરવામાં આવશે. બુધવારે રામલલાની મૂર્તિ પરિસરમાં પ્રવેશ કરશે અને મૂર્તિનું પરિસરમાં ભ્રમણ કરવામાં આવશે. ત્યારબાદ મંદિર પરિસરમાં બનેલા યજ્ઞમંડપમાં અનુષ્ઠાનનો પ્રારંભ થશે.
ડૉ.અનિલ મિશ્ર સાત દિવસ યજમાનની ભૂમિકા ભજવશે
અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન ડૉ. અનિલ મિશ્ર છે, જે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય છે. યજમાન તરીકે તેમણે મંગળવારે તપ આરાધનામાં ભાગ લીધો હતો. હવે તે સાત દિવસ સુધી યજમાનની ભૂમિકામાં રહેશે. પવિત્ર વિધિ કરનારા બ્રાહ્મણોએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, રામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ, સંઘના વડા મોહન ભાગવત અને ડૉ. અનિલ મિશ્ર સપત્નીક મુખ્ય આયોજન સમયે 22 જાન્યુઆરી હાજર રહેશે. વડાપ્રધાન મોદી ભોગ ધરાવવાની સાથે આરતી કરશે.