શોધખોળ કરો
મજૂરો પાસેથી ટ્રેન કે બસનું ભાડું ન લેવામાં આવે, રાજ્ય સરકાર ચૂકવેઃ સુપ્રીમ કોર્ટ
વિવિધ સ્થાન પર ફસાયેલા પ્રવાસી કામદારોને સંબંધિત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા સ્થળો પર ભોજન ઉપલબ્ધ કરાવાશે.

નવી દિલ્હીઃ પ્રવાસી મજૂરોના મુદ્દા પર આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થઈ હતી. જેમાં કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું, મજૂરો પાસેથી ટ્રેન કે બસનું કોઈપણ ભાડું ન લેવું જોઈએ. રાજ્ય સરકાર મજૂરોનું ભાડું ચૂકવશે અને તેમને ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરશે. મજૂરોના સ્થળાંતર સંબંધિત મેટરમાં કોર્ટ વધુ સુનાવણી 5 જૂને કરશે. સુપ્રીમ કોર્ટે તેના ફેંસલામાં કહ્યું, પ્રવાસી શ્રમિકો પાસેથી ટ્રેન કે બસનું ભાડું નહીં લેવામાં આવે. વિવિધ સ્થાન પર ફસાયેલા પ્રવાસી કામદારોને સંબંધિત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા સ્થળો પર ભોજન ઉપલબ્ધ કરાવાશે. આ ઉપરાંત મજૂરોને ટ્રેન કે બસમાં બેસવાનો સમય પણ જણાવવામાં આવશે. સુનાવણી દરમિયાન સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, કેટલીક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. જેને મીડિયામાં દર્શાવવામાં આવી છે. સરકાર પગલાં નથી લઈ રહી એવું નથી. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું, અમે એવું નથી કહી રહ્યા કે સરકારે કંઈ કર્યુ નથી, પરંતુ જરૂરિયાતમંદો સુધી મદદ પહોંચી નથી રહી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પ્રવાસી મજૂરની ઓળખ સુનિશ્ચિત થઈ ગયા બાદ તેને અઠવાડિયાથી 10 દિવસમાં વતન મોકલી આપવા જોઈએ. જેના પર કેન્દ્ર સરકારના વકીલે કહ્યું, અત્યાર સુધી એક કરોડથી વધારે પ્રવાસી મોકલવામાં આવી ચુક્યા છે. જે લોકો પગપાળા કે અન્ય રીતે જઈ રહ્યા છે તેનું કારણ બીજું હોઈ શકે છે.
વધુ વાંચો




















