કોરોનાની ભયંકર સ્થિતિ, દેશમાં હોસ્પિટલમાં દાખલ થયાના 12 કલાકમાં 20 ટકા દર્દીઓ મોતને.....
આ પહેલા હોસ્પિટલમાં 25થી 30 ટકા મોત 48 કલાકમાં થતા હતા.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત દસમા દિવસે ભારતમાં કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને ચોથા દિવસે 2000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 25 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
તો બીજી બાજુ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને કારણે મોતનો આંકડો વધી રહ્યો છે. દેશમાં 24 કલાકમાં 2624 લોકોના મોત થયા છે. એટલે કે અંદાજે દર એક મિનિટે એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે. છેલ્લા 15 દિવસથી આ રીતે મોતના આંકડા સામે આવી રહ્યા છે. મુંબઈ, ચેન્નાઈ, અમદાવાદ, કોચિન, લખનૌ, ચંદીગઢ, રાયપુર, ભોપાલ જેવા શહેરોમાં ઓક્સિજનની માંગમાં ૪૦ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલના એક રિપોર્ટમાં કહેવાયુ છે કે, કોરોના વાયરસને કારણે થનારા મોતમાં દર પાંચમી વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ થાય તેના 12 કલાકમાં જ મોતને ભેટે છે. આ પહેલા હોસ્પિટલમાં 25થી 30 ટકા મોત 48 કલાકમાં થતા હતા.
મોટાભાગના રાજ્યમાં ઓક્સિજન (Oxygen)ની અછત જોવા મળી રહી છે. કોરોનાની ખતરનાક સ્થિતિનો અંદાજ એ વાતથી જ લગાવી શકાય કે 5થી 6 ટકા દર્દી એવા છે જે હોસ્પિટલ (Hospital) પહોંચતા પહેલા જ દમ તોડી રહ્યા છે.
રિપોર્ટ પ્રમાણે મોટાભાગના શહેરોમાં સ્થિતિ એક સરખી જ છે. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હોય અને રસ્તામાં મોતને ભેટયા હોય તેવા દર્દીઓની સખ્યા પણ વધી છે. નેશનલ ટાસ્ક ફોર્સના એક સૂત્રના કહેવા પ્રમાણે આ પહેલા ૪૦ ટકા મોત હોસ્પિટલમાં દર્દીને લાવ્યાના ૭૨ કલાકમાં થતી હતી પણ હવે તો આ સમયગાળો પણ ઘટી ગયો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,46,786 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2624 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 2,19,838 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 66 લાખ 10 હજાર 481
- કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 38 લાખ 67 હજાર 997
- કુલ એક્ટિવ કેસ - 25 લાખ 52 હજાર 942
- કુલ મોત - 1 લાખ 89 હજાર 544