ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત
ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારોમાં શુક્રવારે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. આ સંદર્ભે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ 'રેડ એલર્ટ'ને ધ્યાનમાં રાખીને શુક્રવારે રાજ્યભરમાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી.
Uttarakhand Weather Update: ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારોમાં શુક્રવારે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. આ સંદર્ભે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ 'રેડ એલર્ટ'ને ધ્યાનમાં રાખીને શુક્રવારે રાજ્યભરમાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં થઈ રહેલા વરસાદની માહિતી લીધી હતી અને અધિકારીઓને સતર્ક રહેવા માટે સૂચનાઓ આપી હતી.
રાજ્યભરમાં ધોરણ 1 થી 12 સુધીની શાળાઓમાં રજા
ગઢવાલ અને કુમાઉ બંને પ્રદેશોની ઊંચી ટેકરીઓ પર હિમવર્ષા થવાની પણ માહિતી છે. નીચાણવાળા વિસ્તારોમાં સતત વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. દેહરાદૂનમાં પણ છેલ્લા બે દિવસથી વરસાદ સતત ચાલુ છે. હવામાન વિભાગે ગુરુવાર અને શુક્રવારે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી હતી, જેને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં ધોરણ 1 થી 12 સુધીની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી.
સતત વરસાદને કારણે રુદ્રપ્રયાગ અને બદ્રીનાથ વચ્ચે ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે બે જગ્યાએ બંધ થઈ ગયો છે. અધિકારીઓએ જણાવ્યું કે NHIDCL દ્વારા હાઈવે ખોલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ વરસાદને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બચાવ ટીમો સક્રિય બની
ચમોલી જિલ્લા મેજિસ્ટ્રેટ સંદીપ તિવારીએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનથી અવરોધિત મોટર રસ્તાઓને કારણે કેટલીક જગ્યાએ વાહનો અને મુસાફરો ફસાયા હોવાની માહિતી મળતાં, રાહત અને બચાવ ટીમો ત્યાં મોકલવામાં આવી હતી અને તેમના માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરમિયાન મુખ્યમંત્રી ધામી રાજ્યના વિવિધ વિસ્તારોમાં સતત વરસાદની સ્થિતિનો તાગ મેળવવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા.
CM ધામીએ ભક્તોની વ્યવસ્થા માટે સૂચના આપી હતી
તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી વરસાદને કારણે રસ્તાઓ, પીવાના પાણી અને વીજળીના પુરવઠાની સ્થિતિ સહિત અન્ય માહિતી લીધી અને તેમને વધુ વરસાદ અને ભૂસ્ખલનની સંભાવનાવાળા વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે રાખવા સૂચના આપી. તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટને ભારે વરસાદને કારણે ફસાયેલા યાત્રાળુઓ અને મુસાફરોને સલામત સ્થળોએ રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.