Jamnagar: ચારિત્ર્યની શંકા રાખી પતિએ પત્ની અને પુત્રીની હત્યા કરતા ચકચાર
જામનગરમાં લાલપુર ચોકડીથી થોડે દૂર ઝાડીઓમાં માતા અને તેની એક વર્ષીય પુત્રીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે. આ હત્યા મૃતક મહિલાના જ પતિએ કરી હતી.
જામનગર: જામનગરમાં લાલપુર ચોકડીથી થોડે દૂર ઝાડીઓમાં માતા અને તેની એક વર્ષીય પુત્રીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે. આ હત્યા મૃતક મહિલાના જ પતિએ કરી હતી. તારીક નામનો શખ્શ તેની પત્ની શબાનાના ચારિત્ર્ય પર શંકા રાખી અવારનવાર ઝઘડા કરતો હતો. જેને લઈ તેની પત્ની પોતાની માતાના ઘરે રહેતી હતી. ગઈકાલે તારીકે તેને બોલાવતા તે પોતાની એક વર્ષીય દીકરી રૂબીનાને લઈને પહોંચી હતી.
આ સમયે તારીકે તેની પત્ની અને દીકરીને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાંખી હતી. બાદમાં તે રાજકોટ પહોંચ્યો અને પોલીસ સ્ટેશને સામેથી હાજર થઈ કબૂલાત કરી કે તેણે પોતાની પત્ની અને દીકરીની હત્યા કરી નાંખી છે. રાજકોટ પોલીસે જામનગર પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળેથી માતા અને પુત્રીની લાશનો પોલીસે કબજો લીધો હતો. આરોપી તારીક ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. અગાઉ તેની સામે હત્યાના પ્રયાસ અને ધાકધમકી સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે.
ડબલ મર્ડરની આ ચકચારી ઘટના અંગે જાણવા મળતી વિગત અનુસાર લાલપુર ચોકડી નજીક હોટેલ ટેનના પાછળના ભાગેથી મહિલા અને બાળકીના મૃતદેહની જાણ થતા પોલીસ તાબડતોબ દોડી ગઈ હતી. મૃતદેહ મામલે રાહદારી જાણ કરતા પંચકોષી બી. ડિવિઝન તેમજ એલસીબી પોલીસ અને શહેર વિભાગના મામલતદારની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બી. ડિવિઝન પોલીસે માતા પુત્રી બંનેના મૃતદેહોનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતા.
રાજ્યમાં ઠંડીથી મળશે આશિંક રાહત, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી હાડ થિજવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે ઠંડીથી થોડી રાહત મળશે. હવામાન વિભાગનું આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીનું જોર થોડુ ઘટશે. આગામી પાંચ દિવસ વાતાવરણમાં કોઈ ખાસ ફેરફાર નહી થાય. હવામાન વિભાગના મતે આગામી 5 દિવસ તાપમાનમાં એક-બે ડિગ્રીની વધઘટ રહેશે. જો કે, પાંચ દિવસ બાદ ફરી કડકડતી ઠંડી પડે તેવી શક્યતા છે.
હાલ તો પવનની દિશા બદલાતા અને ભેજવાળા વાતાવરણના કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે. આજે પણ કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું છે. નલિયામાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ભુજમાં 12 અને ડીસામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે.