Devayat Khavad: દેવાયત ખવડને મળ્યાં જામીન, 72 દિવસ બાદ થશે જેલમુક્તિ
Devayat Khavad: યુવક પર હુમલાના કેસમાં 72 દિવસથી જેલમાં બંધ લોક સાહિત્યકાર દેવાયત ખવડને જામીન મળ્યાં છે.
Devayat Khavad: યુવક પર હુમલાના કેસમાં 72 દિવસથી જેલમાં બંધ લોક સાહિત્યકાર દેવાયત ખવડને જામીન મળ્યાં છે. 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરતે હાઇકોર્ટે જામીન આપ્યા છે. હાઇકોર્ટમાં એડવોકેટ મેહુલ શાહ અને રાજકોટથી એડવોકેટ અજય જોશી અને સ્તવન મહેતાની દલીલો ધ્યાને લઈ કોર્ટે શરતી જામીન મંજુર કર્યા છે. રાજકોટના મયુરસિંહ રાણા પર દેવાયત ખવડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ તના પર કેસ થયો હતો.
પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર
રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરાયો હતો. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો હતો. જેમાં 10 દિવસ ફરાર રહ્યા બાદ દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદ દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા.
ધ્રાંગધ્રામાં લોક સાહિત્યકાર દેવાયત ખવડની તસવીર સળગાવીને કરાયો હતો વિરોધ
કોણ છે દેવાયત ખવડ
દેવાયત ખવડનું વતન સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું દુધઈ ગામ છે. કાઠી દરબાર સમાજમાં 1988માં જન્મેલા દેવાયત ખવડએ 1થી 7 ધોરણ સુધીનો અભ્યાસ દુધઈ ગામમાં કર્યો હતો. ત્યારબાદ પોતાનું માધ્યમિક શિક્ષણ લેવા માટે પોતાના ગામથી ચાર કિલોમીટર દૂર વેલા સડલા ગામમાં રહ્યા અને પછી કૉલેજ સુધીનો અભ્યાસ સુરેન્દ્રનગરમાં કર્યો હતો. તેમના પિતા દાનભાઈ ખવડ સિમેન્ટના પિપ બનાવવાના ઉદ્યોગમાં શ્રમિક તરીકે કામ કરતા હતા અને તેમની પાસેની 10 વીઘા જમીન પર ખેતી પણ કરતા હતા. તેમનું નિધન 2015માં થયું હતું.
દેવાયત ખવડને ડાયરાની દુનિયામાં લાવનારા તેમના મામા જિલુભાઈ કરપડા છે, જેઓ સાહિત્યપ્રેમી છે અને ખેતી ઉપરાંત સાહિત્યશિબિરો પણ કરે છે. વર્ષો પહેલાં ગામમાં રાજ્ય સરકારના માહિતીખાતા તરફથી દુરદર્શન અને આકાશવાણીના સહયોગ સાથે ઊગતા કલાકારો માટે ત્રણ દિવસની શિબિર રાખવામાં આવતી. દેવાયત ખવડને ગાવાનો રસ જાગ્યો અને તેઓએ મામાને વાત કરી. તેમના પ્રોત્સાહનથી 2004માં સડલા ગામમાં રાખવામાં આવેલી આવી જ એક શિબિરમાં દેવાયત ખવડે ભાગ લીધો હતો. ત્યારથી તેઓએ ગાવાનું શરૂ કર્યું હતું, અને પછી ગામે-ગામ ડાયરાના પ્રોગ્રામ કરવા લાગ્યા હતા. તેઓ ઇશરદાન ગઢવીને ખૂબ જ સાંભળતા હતા. થોડા સમય પહેલા ઇશરદાન ગઢવીના પુત્ર અને દેવાયત ખવડના વિવાદનો વીડિયો પણ વાયરલ થયો હતો. જે બાદ બંનેએ સમાધાન કર્યુ હતું.