Rajkot Rain: રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ, ગોંડલ ચોકડી, આંબેડકર નગર અને ઉમિયા ચોક જળમગ્ન
રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. શહેરના ઉમિયાચોક, આંબેડકરનગર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે.
રાજકોટ: રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. શહેરના ઉમિયાચોક, આંબેડકરનગર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. મવડી, બાપાસિતારામચોક, ગોંડલ ચોકડી વિસ્તારમાં પાણી ભરાયા છે. રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. ધોરાજી, ઉપલેટા, લોધિકા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે.
રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના યાજ્ઞિક રોડ, રિંગ રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, રૈયા ચોકરી, માધાપર ચોકડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજકોટના ગોંડલ રોડ ચોકડી, કોઠારીયા વિસ્તાર,અટીકા ફાટક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા બે દિવસથી રાજકોટમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આજે બપોર બાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
3 ઇંચ વરસાદમાં રાજકોટ શહેરના રાજમાર્ગો પર ઠેર-ઠેર પાણી ભરાયા હતા. રાજકોટની આજી, ન્યારી, ભાદર સહિતની નદીઓમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. રામનાથ મહાદેવને આ વર્ષે પ્રથમ વખત જળાભિષેક થયો છે. પૌરાણિક રામનાથ મહાદેવ આજી નદીની વચ્ચોવચ આવેલું છે. રામનાથ મહાદેવ મંદિર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રવિવાર હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો આજી નદી બે કાંઠે થતા જોવા માટે ઉમટી પડ્યા હતા.
ગુજરાતમાં બે દિવસ ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતમાં આજે વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાજન છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હજુ પણ બે દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 2 દિવસ મેઘરાજા તોફાની બેટીંગ કરશે. ત્યારબાદ વરસાદ વિરામ લેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવાર સુધી મેઘરાજા મન મૂકીને વરસશે. બુધવારથી મેઘરાજા ખમૈયા કરશે. આજે કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, સુરત અને ભરૂચ જિલ્લામાં વરસાદની આગાહી હતી. આવતીકાલે સોમવારે અમદાવાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, પાટણ, સાબરકાંઠા, આણંદ, ભરૂચ અને વડોદરામાં મૂશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 11 જુલાઈના અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ, નવસારી અને વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી શકે છે.
આગાહીકાર અંબાલાલ પટેલનું કહેવું છે કે, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. આ સાથે જ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પણ પાણી-પાણી થશે.
વરસાદે રાજ્યભરમાં જમાવટ કરી
રાજ્યભરમાં શ્રીકાર વરસાદની સ્થિતિ છે. હાલ વરસાદે રાજ્યભરમાં જમાવટ કરી છે. રાજ્યમાં હાલ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના પગલે સતત ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ પડી રહ્યો છે. તાજેતરના હવામાનના અપડેટની વાત કરીએ તો ફરી હવામાન વિભાગે હજુ આગામી 24 કલાક ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.