રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
રાજકોટમાં ફરી એક વાર નબીરાની રફ્તારના કહેરે એકનો જીવ લીધો છે

રાજકોટમાં ફરી એક વાર નબીરાની રફ્તારના કહેરે એકનો જીવ લીધો છે. મળતી જાણકારી અનુસાર, શહેરના મવડી મેઈન રોડ ઉપર ભારત પેટ્રોલ પંપ પાસે કાર ચાલકે વૃદ્ધ સહિત ત્રણને હડફેટે લીધા હતા. જેમાં મોપેડ લઈને પેટ્રોલ પુરાવવા માટે જતા વૃદ્ધ અને દૂધની ડેરીના માલિક પ્રફુલભાઈ ઉનડકટ ગંભીર રીતે ઘાયલ થતા તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક 12 વર્ષની દીકરીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે તેને પણ માથામાં હેમરેજ થઈ ગયાનું જાણવા મળી રહ્યું છે.
પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો કે અકસ્માત સમયે કાર 100થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હતી. કારમાં બે યુવક અને બે યુવતી સવાર હોવાનો દાવો કર્યો હતો. જેમાં કાર ચાલકનું નામ ઋત્વિજ પટોડીયા જ્યારે અન્ય યુવકનું નામ ધ્રુવ કોટક હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંન્નેની અટકાયત કરી છે. જો કે બંન્ને યુવક દારૂના નશામાં હોવાનો પણ પ્રત્યક્ષદર્શીએ આરોપ લગાવ્યો હતો. અકસ્માત સર્જાયા બાદ બે યુવતી ફરાર થઈ હોવાની પણ ચર્ચા છે.
ઘટનાસ્થળે હાજર લોકોએ પોલીસને જણાવ્યું કે કાર ખૂબ જ ઝડપથી આગળ વધી રહી હતી અને ટક્કર પછી તે વૃદ્ધને લગભગ 200 થી 300 મીટર સુધી ઢસડી ગઇ હતી જેના કારણે વૃદ્ધનું મોત થયું હતું. જોકે, સ્થળ પર હાજર લોકોએ કાર ચલાવતા યુવક અને કારમાં સવાર યુવકને પકડી લીધા અને પોલીસને સોંપી દીધા હતા.
પોલીસે કાર ચાલક સહિત બે લોકોની ધરપકડ કરી
કાર ચલાવનાર યુવક અને કારમાં બેઠેલા અન્ય એક યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો હતો કે કારમાં બે યુવકો અને બે યુવતીઓ સવાર હતી. અકસ્માત બાદ બે યુવતીઓ ફરાર થઈ ગઈ હતી. સ્થાનિકોએ બે યુવકોને પકડી પોલીસને સોંપ્યા હતા. કાર સવાર બંને યુવકો નશામાં હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો.
આ પહેલા હોળીના દિવસે વડોદરામાં એક હાઇસ્પીડ કારના કારણે થયેલી તબાહી જોવા મળી હતી. જ્યાં કાયદાના વિદ્યાર્થીઓએ કારથી આઠ લોકોને કચડી નાખ્યા હતા. જેના કારણે એક મહિલાનું મોત થયું. જ્યારે 4 લોકો ઘાયલ થયા હતા. વડોદરાના કારેલીબાગમાં આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. મોડી રાત્રે નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જી સાત લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ થયું મોત તો ચાર લોકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ લઈ જવાયા હતા. અકસ્માત વખતે કારમાં બે લોકો સવાર હતા જેમાંથી એક યુવક ફરાર થઈ ગયો હતો. પણ કારચાલક યુવાનને લોકોએ દબોચી માર માર્યો હતો. બાદમાં પોલીસને હવાલે કર્યો હતો. અકસ્માતની ઘટનાને લઈને પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપીનું નામ રક્ષિત ચૌરસિયા અને મૂળ વારાણસીનો હોવાનું સામે આવ્યું છે. વડોદરામાં તે એમ એસ યુનિ.માં લૉ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
