Rajkot: વેરાવળ-બાંદ્રા ટ્રેનને આ જગ્યાએ અપાયો સ્ટોપ, વેપારીઓમાં ખુશીનો માહોલ
જેતપુરથી મુંબઈ જવા માટે લાંબા અંતરની ટ્રેનની માંગ ઘણા સમય બાદ પશ્ચિમ રેલવે દ્વારા સ્વીકારી લેવામાં આવતા ટ્રેન નંબર 19218/19217 વેરાવળ -બાંદ્રા ટ્રેનને જેતપુર સ્ટોપ આપવામાં આવ્યો છે.
જેતપુર: જેતપુરમાં ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશન તેમજ વિવિધ સંસ્થાના વેપારીઓની જેતપુરથી મુંબઈ જવા માટે લાંબા અંતરની ટ્રેનની માંગ ઘણા સમય બાદ પશ્ચિમ રેલવે દ્વારા સ્વીકારી લેવામાં આવતા ટ્રેન નંબર 19218/19217 વેરાવળ -બાંદ્રા ટ્રેનને જેતપુર સ્ટોપ આપવામાં આવ્યો છે. મુંબઈ જતી ટ્રેનને જેતપુરમાં સ્ટોપ મળતા વેપારી તેમજ ઉદ્યોગ પતિઓમાં ખુશી છવાઈ ગઈ છે. જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયા તેમજ સાંસદ રમેશ ધડુક હાજર રહી ટ્રેનનું સ્વાગત કરી લીલી ઝંડી આપી હતી.
જેતપુરનો સાડી ઉદ્યોગ દેશ-વિદેશમા પ્રખ્યાત છે. જેતપુરની સાડીઓ સમગ્ર ભારતમા જતી હોઈ અને વેપારીઓને લાંબી મુસાફરી કરવી હોય તો જેતલસર જંક્શન જવુ પડતું હતું. જેને લઈ જેતપુર ડાઈંગ એસોસિઅન દ્વારા ધારાસભ્ય અને સાંસદને જેતપુર નવાગઢ રેલવે સ્ટેશને મુંબઈ જવા માટે ટ્રેન ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈ સાંસદ રમેશભાઈ અને ધારાસભ્ય જયેશભાઈએ રેલવે પ્રસાશન સાથે વાત કરી હતી. જેને લઈ પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ - બાંદ્રા ટ્રેનને સ્ટોપ આપવાની જાહેરાત કરતા જેતપુર વેપારી જગતમા ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.
આજે નવાગઢ રેલવે સ્ટેશન ખાતે રેલવે અધિકારી, સાંસદ અને ધારાસભ્યના હારતોરા કરી નવાગઢ સ્ટેશન ખાતે જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિઅન દ્વારા આભાર વિધિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જેતપુર ડાઈંગ એસોસિઅન દ્વારા ટ્રેનને નવાગઢ સ્ટોપ મળતા આભાર વ્યક્ત કર્યો હતો.
પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે જણાવ્યું કે જેતપુરની વર્ષો જૂની માંગ હતી તે સ્વીકાર કરવામાં આવી છે અને હવેથી દરરોજ જેતપુરને વેરાવળ - બાંદ્રા ટ્રેન જેતપુર નવાગઢ સ્ટેશન ખાતે સ્ટોપ મળશે અને આવનાર સમયમા જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન અતિ આધુનિક અને જેતપુરનુ મેઈન રેલવે સ્ટેશન હશે. વધુમાં તેમણે કહ્યું કે, આવનારા સમયમા જેતપુરને હજુ વધુ લાંબા ટ્રેનના સ્ટોપ મળશે તેવું જણાવ્યું હતું.
જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ કહ્યું કે, જેતપુર નવાગઢ રેલવે સ્ટેશનને વેરાવળ -બાંદ્રા ટ્રેનનો સ્ટોપ મળતા જેતપુરના સાડીઓના વેપારીઓને હવે જેતલસર જંક્શન જવુ નહીં પડે. આવનારા સમયમા જેતપુર નવાગઢ રેલવે બ્રિજ જે મેઈન રાજકોટ જવા આવવા માટેનો એક જ બ્રિજ હોઈ અને નાનો હોઈ સીક્સલેઇન કામગીરીમા આ પુલને પહોળો બનાવવામા આવશે.
જેતપુર નવાગઢ રેલવે સ્ટેશનને વેરાવળ - બાંદ્રા ટ્રેનને નવાગઢ સ્ટોપ મળતા જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિઅન, ચેમ્બર્સ ઓફ કોમર્સ તેમજ જેતપુર સાડી ઉદ્યોગમા કામ કરતા કારીગરો અને વેપારી ઉદ્યોગપતિમા ખુશીનો માહોલ છે.