Patanjali Misleading Ad Case: આવી ભૂલ ફરી નહીં થાય', SCની સુનાવણી પહેલા પંતજલિનું જાહેરમાં માફીનામું
Patanjali Misleading Advertisement Case: ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પિટિશન દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે પતંજલિ આયુર્વેદે આધુનિક દવા વિરુદ્ધ ઘણો પ્રચાર કર્યો છે.
Baba Ramdev News: પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાતના કેસમાં મંગળવારે (23 એપ્રિલ) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. યોગ ગુરુ બાબા રામદેવ આ કેસની સુનાવણીમાં ભાગ લેવા કોર્ટ પહોંચ્યા છે. તે જ સમયે, કોર્ટમાં આવતા પહેલા, બાબા રામદેવની સંસ્થા પતંજલિએ જાહેરમાં માફી માંગી છે. ભવિષ્યમાં ગેરમાર્ગે દોરનારી જાહેરાતો આપવા જેવી ભૂલો ફરીથી કરવામાં નહીં આવે તેવું કહેવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું છે કે તે કોર્ટની ગરિમા પણ જાળવી રાખશે.
ઇન્ડિયન એક્સપ્રેસ અખબારમાં જાહેર માફી પ્રકાશિત કરવામાં આવી છે. આમાં પતંજલિ આયુર્વેદે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી છે કે, તે કોર્ટ અને બંધારણની ગરિમા જાળવવા માટે તેની પ્રતિબદ્ધતા પર અડગ છે. જાહેર માફીમાં બાબા રામદેવે પોતાના વકીલો દ્વારા કોર્ટમાં નિવેદન આપ્યા બાદ પણ પતંજલિની જાહેરાત પ્રકાશિત કરવા અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવા બદલ માફી માંગી છે.
પતંજલિએ માફીપત્રમાં શું કહ્યું?
બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ તરફથી આ માફી એવા સમયે આવી છે જ્યારે સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાતો માટે રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને ફટકાર લગાવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, "પતંજલિ આયુર્વેદ માનનીય સર્વોચ્ચ અદાલતની ગરિમાનું સંપૂર્ણ સન્માન કરે છે. અમારા વકીલો દ્વારા સર્વોચ્ચ અદાલતમાં નિવેદન આપ્યા પછી પણ અમે જાહેરાત પ્રકાશિત કરવાની અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવાની ભૂલ માટે દિલથી માફી માંગીએ છીએ."
માફીપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, "અમે અમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ કે, ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન નહીં થાય. અમે તમને ખાતરી આપીએ છીએ કે અમે બંધારણ અને માનનીય સુપ્રીમ કોર્ટની ગરિમા જાળવવા માટે પ્રતિબદ્ધ રહીશું."
IMAએ પતંજિલ વિરુદ્ધ અરજી કરી હતી
છેલ્લી સુનાવણીમાં, સુપ્રીમ કોર્ટે યોગમાં રામદેવના યોગદાનને સ્વીકાર્યું હતું અને કહ્યું હતું કે તેઓ અને આચાર્ય બાલકૃષ્ણ તપાસ હેઠળ રહેશે. બંનેને તેમની ભૂલ સુધારવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ પતંજલિ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી, જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે કંપનીએ આધુનિક દવા અને કોવિડ-19 રસી વિરુદ્ધ પ્રચાર કર્યો છે.