‘જીવન જીવવાનો ઘણો પ્રયાસ કર્યો પણ હવે....’: સુરતમાં 28 વર્ષીય મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
એરપોર્ટ પર ફરજ બજાવતી શેતલ ચૌધરીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું; કારણ અકબંધ.

Female constable suicide Surat: સુરત શહેરમાં એક દુ:ખદ ઘટના બની છે, જેમાં શહેરના એરપોર્ટ પર ફરજ બજાવતા 28 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ શેતલ ચૌધરીએ આપઘાત કરી લીધો છે. અઠવાલાઇન્સ વિસ્તારમાં રહેતા શેતલબેનએ ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવના પગલે પોલીસ બેડા અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શેતલ ચૌધરી સુરત એરપોર્ટ પર કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ અઠવાલાઇન્સ નજીક બસેરા હાઉસ પાસે રહેતા હતા. કોઈ અગમ્ય કારણોસર તેમણે ઘરે એકલા હતા ત્યારે આ અંતિમ પગલું ભર્યું હતું. આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને પોલીસ દ્વારા આ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને શેતલબેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આજે સવારે સિવિલ હોસ્પિટલ ખાતે મહિલા કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું, ત્યારબાદ તેમનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.
શેતલબેનની બહેન કાજલબેને જણાવ્યું હતું કે તેઓ મૂળ ગામડાના વતની છે, પરંતુ શેતલબેન પોલીસમાં નોકરી કરતા હોવાથી તેઓ સુરતમાં સાથે રહેવા આવ્યા હતા. કાજલબેન પોલીસ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને ઘટનાના દિવસે તેઓ લાયબ્રેરી ગયા હતા. સાંજે ઘરે પરત ફર્યા ત્યારે તેમને આપઘાતની જાણ થઈ હતી. મૃતકના માતાપિતા વતનમાં ખેતીકામ કરે છે અને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
પોલીસ તપાસમાં મૃતકના ઘરેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં શેતલબેને લખ્યું હતું કે તેમણે જીવન જીવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ હવે તેમને જીવન જીવવું ગમતું નથી અને તેમના મોત માટે કોઈ જવાબદાર નથી. ઉમરા પોલીસ હાલમાં આ કેસની વધુ તપાસ કરી રહી છે અને આપઘાત પાછળના સાચા કારણને જાણવાનો પ્રયાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ સુરતમાં પોલીસ કર્મચારી દ્વારા આપઘાતની ઘટનાઓ બની છે. અગાઉ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરીએ પણ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તેમની સુસાઈડ નોટમાં તેમણે અંગત જીવનમાં વિશ્વાસઘાત થવાના કારણે આ પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો....





















