સુરતમાં ફરી રફ્તારનો કહેર જોવા મળ્યો, પુરપાટ ઝડપે આવતી કારે રાહદારીને લીધો અડફેટે, કારચાલક ફરાર
સુરતના વેસુ વિસ્તારમાં આ ઘટના બની છે. આ ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. પુરપાટ ઝડપે આવેલી કારે ચાલતા જતા રાહદારીને અડફેટે લીધો હતો.
Surat Accident: સુરત શહેરમાં ફરી રફ્તારનો કહેર સામે આવ્યો છે. શહેરના વેસુ વિસ્તારમાં મોડી રાતે પુરપાટ ઝડપે દોડતી કારે એક વ્યક્તિને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને હાથ અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. તો અકસ્માત બાદ કાર ચાલક ફરાર થતા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
મળતી માહિતી મુબજ સુરતના વેસુ વિસ્તારમાં આ ઘટના બની છે. આ ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. પુરપાટ ઝડપે આવેલી કારે ચાલતા જતા રાહદારીને અડફેટે લીધો હતો. કાળા કલરની ફોર વ્હીલર કાર ચાલક અકસ્માત કર્યાંબાદ ફરાર થઈ ગયો છે. રાહદારીને હડફેટે લીધા બાદ ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અકસ્માતમાં રાહદારીને થાપાના અને પગના ભાગે ફ્રેક્ટર થયું છે. વેસુ પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હાલમાં સુરત શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. કાપોદ્રા વિસ્તારમાં આ અકસ્માત થયો હતો જેમાં ચાર રસ્તા પાસે પાંચ લોકોને અડફેટે લીધા છે. સાજન પટેલ નામના કાર ચાલકે પાંચ લોકોને અડફેટે લીધાના સમાચાર હતા. અકસ્માત બાદ સ્થાનિકોએ કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કાપોદ્રા પોલીસે કાર ચાલક સાજન પટેલની અટકાયત કરી છે. આરોપી વાહનોનો લે-વેચનો ધંધો કરતો હોવાની માહિતી સામે આવી હતી.
હાલમાં જ સુરતમાં બાઈક ઉપર જોખમી સ્ટંટ કરી રીલ્સ માટેના વીડિયો બનાવાનું બે યુવકોને ભારે પડ્યું હતું. થોડા દિવસ પહેલા અઠવાલાઇન્સ વિસ્તારનો બાઈક પર જોખમી સ્ટંટ કરતો રીલ્સનો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં ઉમરા પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે સ્ટંટ કરનાર બે યુવકોની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. બંને મિત્રએ એક જ બાઈક પર વારાફરતી જોખમી સ્ટંટ કરી વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતા.
આજના સમયમાં યુવાનોને સોશિયલ મીડિયામાં છવાઈ જવાનું ઘેલું લાગ્યું છે. આ માટે યુવાનો જીવનું જોખમ લઈને સોશિયલ મીડિયા માટે શોર્ટ વિડિયો કે રીલ્સ બનાવી રહ્યા છે. પરંતુ આ પ્રકારે જીવનું જોખમ લઈને રીલ્સ બનાવવું યુવાનોને ભારે પણ પડી શકે છે. આ પ્રકારના વીડિયો બનાવી યુવકો કાયદાને પોતાના હાથમાં લેતા હોય છે. ત્યારે પોલીસ પણ આવા યુવકોના સામે કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે જીવના જોખમે બાઈક ઉપર સ્ટંટ કરી વીડિયો બનાવનાર સુરતમાં વધુ બે યુવકની પોલીસે ધરપકડ કરી છે. સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં બાઈક ઉપર બે યુવકો ઉભા રહીને જીવના જોખમે સ્ટંટ કર્યો હતો. તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો.