Car Stunt: સુરતમાં બેફામ બનેલા યુવાઓએ કરી જોખમી સ્ટન્ટબાજી, 10થી વધુ ગાડીઓ દોડાવી રસ્તો જામ કર્યો
વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, યુવાઓ દ્વારા કરવામાં આવેલા આ સીનસપાટા સુરતના વેસૂ રૉડ વીઆઇપી રૉડ પરના છે
Car Stunt: સુરતમાં ફરી એકવાર યુવાઓના તમાશાના વીડિયો સામે આવ્યા છે. હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, સુરતમાં વીઆઇપી રૉડ પર કેટલાક યુવાઓ દ્વારા બેફામ રીતે તમાશોકરીને રસ્તો બ્લૉક કરવામાં આવ્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, યુવાઓ દ્વારા કરવામાં આવેલા આ સીનસપાટા સુરતના વેસૂ રૉડ વીઆઇપી રૉડ પરના છે.
અહીં કેટલાક યુવાઓ દ્વારા કાર પર સવાર થઇને સીનસપાટા કરવામાં આવી રહ્યાં છે. શહેરના વેસુ VIP રૉડ પર આ તમાશો કરવામાં આવ્યો છે. એક પછી કારની લાંબી લાઇનો લગાવીને યુવાઓ દ્વારા વેસૂ વીઆઇપી રૉડને બ્લૉક કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં આ કાર સ્ટન્ટનો વીડિયો ઉતારીને યુવાઓ દ્વારા વાયરલ પણ કરવામાં આવ્યો છે. આ કાર સ્ટન્ટ જોઇને લોકો પણ કહી રહ્યાં છે કે આ યુવાઓને પોલીસનો કોઇ ડર નથી રહ્યો. કહેવાઇ રહ્યું છે કે, આ સ્ટન્ટ વીડિયો ગઇકાલે રાતનો જ છે.
આ પહેલા જાહેર રોડને રેસિંગ ટ્રેક બનાવવાનો પ્રયાસ કરનારા સામે હર્ષ સંઘવીએ કરી હતી લાલ આંખ
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના જહાંગીરાબાદ, ઉગત કેનાલ રોડ ખાતે રેડિયન્ટ શાળામાં બ્લડ ડોનેશન કેમ્પ બાદ મીડિયા સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે બાઈક કે કાર લઈને જાહેર રસ્તાઓ પર જોખમી સ્ટંટ કરનારાઓને ચેતવણી આપતા કહ્યું કે, આવારા તત્વો દ્વારા રોડને રેસિંગ ટ્રેક બનાવવાના પ્રયાસો કરાશે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. સાથોસાથ તેના માતાપિતા અને પરિવાર પણ આ પ્રકારના સ્ટંટ માટે એટલા જ જવાબદાર ગણી તેમની સામે પણ કાર્યવાહી કરાશે.