'બીજા લગ્નમાં પણ પત્નીને મળશે ભરણ પોષણ, જવાબદારીથી બચી શકે નહીં પતિ'
કોર્ટનો આ નિર્ણય એક અરજી પર આવ્યો હતો જેમાં એક વ્યક્તિએ પોતાની અલગ રહેતી પત્નીને ભરણપોષણ આપવાનો ઇનકાર કર્યો હતો

દિલ્હી હાઈકોર્ટે ઘરેલુ હિંસા કાયદા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કાયદો પત્નીના ભરણપોષણના અધિકારોમાં ભેદભાવ કરતો નથી, પછી ભલે તે પહેલા લગ્ન હોય કે બીજા લગ્ન. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માની બેન્ચે સ્પષ્ટ કર્યું કે જ્યારે કોઈ પુરુષ પોતા ઈચ્છાથી લગ્ન કરે છે અને તેની પત્નીને તેના પહેલા લગ્નના બાળકો સાથે સ્વીકારે છે તો પછી તે આ આધાર પર પોતાની ફરજોથી છટકી શકતો નથી.
કોર્ટનો આ નિર્ણય એક અરજી પર આવ્યો હતો જેમાં એક વ્યક્તિએ પોતાની અલગ રહેતી પત્નીને ભરણપોષણ આપવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે આ તેના બીજા લગ્ન છે અને પત્નીના બાળકો તેના નથી પરંતુ તેના પહેલા પતિના છે.
નીચલી અદાલતનો નિર્ણય માન્ય રાખવામાં આવ્યો
કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે પતિના ભરણપોષણ આપવાનો ઇનકાર કરવાના દલીલને સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારી ગણાવી અને કહ્યું કે ઘરેલુ હિંસા કાયદો પહેલા કે બીજા લગ્ન વચ્ચે ભેદ પાડતો નથી. જો પતિએ પોતાની ઇચ્છાથી લગ્ન કર્યા હોય અને પત્ની અને તેના બાળકોને સ્વીકાર્યા હોય તો હવે તે આ જવાબદારીથી ભાગી શકતો નથી.
કોર્ટે નીચલી કોર્ટના આદેશને માન્ય રાખ્યો અને પતિએ પત્નીને દર મહિને 1 લાખ રૂપિયા ભરણપોષણ આપવાના આદેશને યોગ્ય ઠેરવ્યો હતો. જોકે, કોર્ટે પત્નીના બે પુત્રો, જે હવે પુખ્તવયના છે, તેમને ભરણપોષણ આપવાનો ઇનકાર કરવાના નિર્ણયને પણ યોગ્ય માન્યો હતો.
પત્નીએ હાઇકોર્ટમાં પતિ પર આરોપ લગાવ્યો
દિલ્હી હાઇકોર્ટમાં મહિલાએ કોર્ટને જણાવ્યું કે તે તેના પિયરમાં રહે છે અને તેના પતિ દ્વારા માનસિક, શારીરિક, આર્થિક અને ભાવનાત્મક ત્રાસ સહન કર્યો છે. તેના મતે, લગ્ન પહેલાં પતિએ તેણીને ખાતરી આપી હતી કે તે ફક્ત તેણીને જ નહીં પરંતુ તેના બાળકોને પણ દત્તક લેશે અને તેમને પિતા જેવો પ્રેમ આપશે.
પતિએ કોર્ટમાં દાવો કર્યો હતો કે પત્નીએ પોતે જ ઘર છોડી દીધું હતું અને ક્યારેય સમાધાન કરવાનો પ્રયાસ કર્યો નથી. તેણે એમ પણ કહ્યું કે તે એક અસાધ્ય રોગ એન્કિલોજિંગ સ્પોન્ડિલાઇટિસથી પીડાઈ રહ્યો છે અને પોતાની સંભાળ રાખી શકતો નથી. જો કે, કોર્ટે મહિલાની ફરિયાદને ગંભીરતાથી લીધી કે પતિએ ટ્રાયલ દરમિયાન તેની મિલકત વેચવાનો પ્રયાસ કર્યો હતો જેથી તે કોઈપણ કાનૂની દાવાથી બચી શકે.
દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટે યોગ્ય કર્યું કે પતિને તેમની પરવાનગી વિના તેની સ્થાવર મિલકત વેચવાથી રોકવામાં આવ્યો હતો. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ કહ્યું કે પતિનું આ પગલું પત્નીની શંકાઓને મજબૂત બનાવે છે અને પતિની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા કરે છે.





















