Surat: સુરતમાં એથર ઇન્ડસ્ટ્રીઝમાં આગ મામલે NGTની કાર્યવાહી, કલેક્ટર અને GPCBને નોટિસ
Surat: સુરતમાં એથર ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગમાં હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી)એ કાર્યવાહી શરૂ કરી છે
Surat: સુરતમાં એથર ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગમાં હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી)એ કાર્યવાહી શરૂ કરી છે. એનજીટી દ્ધારા સમગ્ર કેસમાં સુઓમોટો કેસ દાખલ કર્યો હતો. એનજીટીએ કલેક્ટર અને જીપીસીબીને નોટિસ આપી હતી અને સમગ્ર કેસમાં આઠ ડિસેમ્બરના રોજ યોજાનારી સુનાવણીમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.
વળતર માટે NGT કોર્ટ દ્વારા તપાસ કરવા માટે કમિટીની રચના કરવામાં આવશે. કમિટી કંપની દ્વારા વળતરની જાહેરાત કરાઈ છે તે વળતર ચૂકવાયું કે કેમ તેની પણ તપાસ કરાશે. તો આ તરફ આગ મામલે રચાયેલી કમિટીની તપાસ પૂર્ણતાના આરે છે. ટેટ્રા હાઈડ્રોફ્યુરન સોલવન્ટને કારણે આગ લાગી હોવાનો ખુલાસો થયો હતો. જો કે કમિટી હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. આવતીકાલે તપાસ સમિતિએ રિપોર્ટ સબમિટ કરવાનો અંતિમ દિવસ છે. બુધવારે સાંજ સુધીમાં તપાસ સમિતિ પોતાનો રિપોર્ટ સબમિટ કરશે. તપાસ સમિતિના વિગતવાર રિપોર્ટ બાદ પોલીસ ફરિયાદ અંગે નિર્ણય લેવાશે
નોંધનીય છે કે સુરતમાં એથર કંપનીમાં લાગેલી આગમાં સાત શ્રમિકોના મોત થયા હતા. આ ઘટના બાદ GPCBએ એથર ઈન્ડસ્ટ્રીઝને ક્લોઝર નોટિસ ફટકારી હતી. સાથે કંપનીને 50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આગની દુર્ઘટનામાં નબળી કામગીરી બદલ ઉધના મામલતદાર પાસેથી ચાર્જ છીનવાયો હતો.
એથર કંપનીમાં આગની દુર્ઘટનાની તપાસ માટે કલેક્ટરે કમિટીની રચના કરી હતી. GPCB, ફાયર વિભાગ, ફેક્ટરી ઈન્સ્પેક્ટર, સચિન PI દુર્ઘટનાની તપાસ કરશે. કલેક્ટરે આગની ઘટનાનો તપાસ રિપોર્ટ સાત દિવસમાં સોંપવાના આદેશ આપ્યા હતા.
સાથે કંપનીને GPCBની મંજૂરી વગર ઉત્પાદન શરૂ નહી કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. એથર ઈન્ડસ્ટ્રીઝને પાંચ જેટલા રિપોર્ટ સબમિટ કરવાનો પણ આદેશ અપાયો હતો.
કંપનીએ મૃતકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી
એથર ઈન્ડસ્ટ્રીઝે પત્રકાર પરિષદ કરીને આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. કંપનીના અધિકારીઓ કહ્યું હતું કે, અમારા સાત મૃત શ્રમિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. મૃતકના પરિવારજનોને વ્યક્તિ દીઠ 50 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. સાથે જ પરિવારના સભ્યોને ઈચ્છા હશે તો નોકરી પણ આપવામાં આવશે. મૃતકોના બાળકો માટે અભ્યાસની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ઈજા થવાથી કાયમી દિવ્યાંગ થયેલા અને કામ કરવામાં સક્ષમ ન રહેલા શ્રમિકોને 25 લાખ રૂપિયા તેમજ સારવારનો તમામ ખર્ચ કંપની તરફથી આપવામાં આવશે.