Ballistic Missile Testને લઇને UNમાં ઉત્તર કોરિયા પર પ્રતિબંધ લગાવવાના અમેરિકાના પ્રયાસોને ઝટકો, ચીન અને રશિયાએ વીટો વાપર્યો
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે 2006માં તેના પ્રથમ મિસાઈલ પરીક્ષણ બાદ ઉત્તર કોરિયા પર પ્રતિબંધો લાદ્યા હતા
ન્યૂયોર્કઃ ચીન અને રશિયાએ ગુરુવારે ઉત્તર કોરિયા વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા લાવવામાં આવેલા કડક પ્રતિબંધોના પ્રસ્તાવ સામે વીટો વાપર્યો હતો. તાજેતરમાં જ ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલ પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે.
#BREAKING China, Russia veto US-drafted UN resolution on tougher NKorea sanctions pic.twitter.com/eP7XLaACxU
— AFP News Agency (@AFP) May 26, 2022
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે 2006માં તેના પ્રથમ મિસાઈલ પરીક્ષણ બાદ ઉત્તર કોરિયા પર પ્રતિબંધો લાદ્યા હતા અને તેના પરમાણુ અને બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમો પર પ્રતિબંધો યથાવત રાખ્યા હતા. સાથે ફંડિંગમાં પણ કાપ મુકવામાં આવ્યો હતો. યુએસ એમ્બેસેડર લિન્ડા થોમસે ગુરુવારે મતદાન અગાઉ એકતા માટે અપીલ કરતા કહ્યું હતું કે, ઉત્તર કોરિયા દ્વારા આ વર્ષે છ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ખતરો છે. ઉત્તર કોરિયા દ્વારા તાજેતરમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલના પરીક્ષણ બાદ અમેરિકાએ તેના પર વધુ કડક પ્રતિબંધો લાદવાની દરખાસ્ત તૈયાર કરી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના રાજદૂત ઝાંગ જુને અમેરિકાને પ્રતિબંધો લાદવાને બદલે ઉત્તર કોરિયા સાથે વાતચીત ફરીથી શરૂ કરવા માટે અર્થપૂર્ણ અને યોગ્ય પગલા લેવા હાકલ કરી હતી.
આ પહેલા ઉત્તર કોરિયાએ બુધવારે એક શંકાસ્પદ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ (ICBM) અને બે ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલનું સમુદ્રમાં પરીક્ષણ કર્યું હતું. દક્ષિણ કોરિયાએ આ જાણકારી આપી છે. ઉત્તર કોરિયાએ આ પરીક્ષણ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેનના એશિયા પ્રવાસ ખત્મ થયાના કલાકો બાદ કર્યું હતું. તેમની મુલાકાત દરમિયાન બાઇડને કહ્યું હતું કે ઉત્તર કોરિયાના ખતરાનો સામનો કરવા માટે અમેરિકા તેના સાથી દેશોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.