Israel-Palestine war: આંતરરાષ્ટ્રીય યાત્રીઓની વધી પરેશાની, એર ઇન્ડિયાએ ઇઝરાયેલી ઉડાનોને 14 ઓક્ટોબર સુધી કરી રદ્દ
એર ઈન્ડિયાના પ્રવક્તાએ રવિવારે બપોરે જણાવ્યું હતું કે એરલાઈને 14 ઓક્ટોબર, 2023 સુધી તેલ અવીવથી અને ત્યાંથી તમામ ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે
Israel-Palestine war: પશ્ચિમ એશિયા ફરી એકવાર યુદ્ધની ઝપેટમાં આવી ગયું છે. હમાસ દ્વારા શનિવારે સવારે ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદ દુનિયામાં એક નવું યુદ્ધ શરૂ થઈ ગયું છે, જેની અસર ચારેબાજુ જોવા મળી રહી છે. નવા જ સંકટને ધ્યાનમાં રાખીને સ્થાનિક એરલાઇન એર ઇન્ડિયાએ 14 ઓક્ટોબર સુધી ઇઝરાયેલની રાજધાની તેલ અવીવની તેની ફ્લાઇટ્સ રદ કરી દીધી છે.
કંપનીના પ્રવક્તાએ આ આપી માહિતી -
એર ઈન્ડિયાના પ્રવક્તાએ રવિવારે બપોરે જણાવ્યું હતું કે એરલાઈને 14 ઓક્ટોબર, 2023 સુધી તેલ અવીવથી અને ત્યાંથી તમામ ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. પ્રવક્તાએ કહ્યું કે કંપનીએ આ નિર્ણય તેના ક્રૂ મેમ્બર અને તમામ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લીધો છે. તેમણે કહ્યું કે 14 ઓક્ટોબર સુધી કન્ફર્મ ટિકિટ ધરાવતા તમામ મુસાફરોને કંપની તમામ શક્ય મદદ પૂરી પાડશે.
પાંચ સાપ્તાહિક ઉડાનો ચલાવે છે કંપની -
ટાટા ગ્રૂપની એરલાઈન એર ઈન્ડિયા તેલ અવીવ અને નવી દિલ્હી વચ્ચે સાપ્તાહિક પાંચ ફ્લાઈટ્સ ચલાવે છે. આ ફ્લાઈટ્સ સોમવાર, મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે છે. નવી જાહેરાત પહેલા કંપનીએ ગઈકાલે શનિવારે પ્રથમ વખત ફ્લાઇટ્સ રદ કરવાની માહિતી આપી હતી. જોકે, શનિવારે 7મી ઓક્ટોબરની ફ્લાઈટને લઈને માત્ર એક દિવસનું અપડેટ આપવામાં આવ્યું હતું.
સવારમાં થયો હતો હુમલો -
ઉલ્લેખનીય છે કે, હમાસે શનિવારે વહેલી સવારે અચાનક ઈઝરાયેલ પર હુમલો કર્યો, જેનાથી આખી દુનિયા ચોંકી ગઈ. ઇઝરાયેલ પર આ સ્તરના હુમલા છેલ્લા પાંચ દાયકામાં પ્રથમ વખત જોવા મળ્યા છે. હમાસના હુમલા બાદ ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કહ્યું કે આ યુદ્ધની શરૂઆત છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં સેંકડો લોકો માર્યા ગયા છે, જેમાં સામાન્ય લોકોનો પણ સમાવેશ થાય છે.
પીએમ મોદીએ ગણાવ્યો આતંકી હુમલો -
ભારતે ઈઝરાયેલ પરના આ હુમલાની નિંદા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલ સાથે ઉભા રહેવાની વાત કરતા હમાસની કાર્યવાહીને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ સહિત કેટલાય પશ્ચિમી દેશો પણ ઈઝરાયેલના પક્ષમાં છે. વળી, વિવિધ અહેવાલોમાં જે પ્રકારના અપડેટ્સ સામે આવી રહ્યા છે તે સંકેત આપે છે કે યુદ્ધ લાંબા સમય સુધી ખેંચાઈ શકે છે.