Russia-Ukraine : શું ભારત બનશે રશિયા-યુક્રેનનું તારણહાર? અમેરિકાનો ઈશારો
દુનિયા હવે છેલ્લા દોઠ વર્ષથી ચાલી રહેલા યુક્રેન-રશિયાના યુદ્ધના અંત માટે ભારત તરફ આશા રાખીને બેઠી છે. આ વાત ખુદ યુક્રેનમાં અમેરિકાના રાજદૂત બ્રિજેટ એ બ્રિંકે કહી છે.
US On Russia-Ukraine War: એક સમયે મદારીના દેશ તરીકે ઓળખાતા ભારતનો આજે દુનિયાભરમાં ડંકો વાગી રહ્યો છે. આ વાતનો સ્વિકાર દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પણ કરી રહ્યું છે. દુનિયા હવે છેલ્લા દોઠ વર્ષથી ચાલી રહેલા યુક્રેન-રશિયાના યુદ્ધના અંત માટે ભારત તરફ આશા રાખીને બેઠી છે. આ વાત ખુદ યુક્રેનમાં અમેરિકાના રાજદૂત બ્રિજેટ એ બ્રિંકે કહી છે.
યુક્રેનમાં અમેરિકાના રાજદૂત બ્રિજેટ એ બ્રિંકે જણાવ્યું હતું કે, વધતા જતા વૈશ્વિક કદ અને G-20ના વર્તમાન પ્રમુખપદ સાથે ભારત યુક્રેનમાં યુદ્ધને સમાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ભજવી શકે છે અને મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. કેટલાક ભારતીય પત્રકારો માટે ખાસ ઓનલાઈન બ્રીફિંગમાં બ્રિંકે કહ્યું હતું કે, વિવિધ વૈશ્વિક પડકારોને ઉકેલવામાં ભારતનું નેતૃત્વ મહત્વપૂર્ણ છે.
અમેરિકી એમ્બેસેડર બ્રિજેટ એ બ્રિંકે જણાવ્યું હતું કે, ગ્લોબલ સાઉથ પર યુદ્ધની પ્રતિકૂળ અસર વિશે નવી દિલ્હીની વધતી જતી ચિંતા કટોકટી ઘટાડવામાં ભૂમિકા ભજવવાનો માર્ગ મોકળો કરે છે. તેમણે કહ્યું હતું કે, અમેરિકા સ્વતંત્રતા અને લોકશાહીને સમર્થન આપવા માટે ભારત સહિત વિશ્વભરના અમારા તમામ ભાગીદારો અને સહયોગીઓ સાથે કામ કરવા ઉત્સુક છે.
'ભારતના લોકો સાર્વભૌમત્વને સમજે છે'
યુક્રેનમાં અમેરિકી રાજદૂત બ્રિંકે કહ્યું હતું કે, હું દરરોજ કિવ (યુક્રેનની રાજધાની)માંથી બે બાબતો નિહાળું છું. યુદ્ધની વિનાશક અસરો અને યુક્રેનિયન લોકોની સ્થિતિસ્થાપકતા અને લડાઈની ભાવના. રાજદૂતે ઉમેર્યું હતું કે, વૈશ્વિક નેતૃત્વ માટેની ભારતની આકાંક્ષાઓ અને G-20ની વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર થીમ દ્વારા સામૂહિક પગલાં લેવાનું આહ્વાન શાંતિ પ્રાપ્ત કરવા માટે જરૂરી ભાવનાને પ્રતિબિંબિત કરે છે. યુદ્ધની વૈશ્વિક અર્થવ્યવસ્થા, ખાદ્ય સુરક્ષા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરમાં સમાવિષ્ટ સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના મૂળભૂત સિદ્ધાંતો પર ભારે અસર પડી છે.
બ્રિંકે કહ્યું હતું કે, હું જાણું છું કે ભારતના લોકો સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની સ્વતંત્રતાના મહત્વને સમજે છે અને ભારતના નેતાઓએ આ મૂળભૂત સિદ્ધાંતો વિશે વાત કરી છે. બ્રિંકે લોકશાહી અને કાયદાના શાસન પર આધારિત વૈશ્વિક વ્યવસ્થાને જાળવવાના પ્રયાસો માટે ભારતની પણ પ્રશંસા કરી હતી.
'આજનો યુગ યુદ્ધનો નથી'
બ્રિંકે કહ્યું હતું કે, આ વર્ષે G-20ની અધ્યક્ષતા સાથે તમારા દેશનું નેતૃત્વ યુક્રેન જેવા સ્થળો સહિત વૈશ્વિક વિકાસને આકાર આપવામાં મહત્વપૂર્ણ છે. યુક્રેન પર રશિયાના હુમલાની ભારતે હજુ સુધી નિંદા કરી નથી. ભારત સંવાદ અને કુટનીતિ દ્વારા સંઘર્ષનો ઉકેલ લાવવા આગ્રહ કરી રહ્યું છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઉઝબેકિસ્તાનના સમરકંદ શહેરમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજનો યુગ યુદ્ધનો નથી. આ સાથે જ તેમણે રશિયન નેતાને સંઘર્ષનો અંત લાવવાની સલાહ આપી હતી.