Chit Fund Scam: ભારતના આ ચાર દિગ્ગજ ક્રિકેટરોની વધી મુશ્કેલી, કરોડોના ચિટફંડ કૌભાંડમાં ગુજરાત સીઆઇડીએ મોકલ્યા સમન્સ
ભારતના કેટલાક દિગ્ગજ ક્રિકેટરોની મુશ્કેલીમાં વધારો થયો છે
ભારતના કેટલાક દિગ્ગજ ક્રિકેટરોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગુજરાત સીઆઇડી ક્રાઇમે 450 કરોડના ચિટ ફંડ કૌભાંડ કેસમાં ભારતના દિગ્ગજ ક્રિકેટરો શુભમન ગિલ, રાહુલ તેવટિયા, મોહિત શર્મા અને બી સાંઈ સુદર્શનને સમન્સ મોકલ્યા હતા. નોંધનીય છે કે ચિટફંડ કૌભાંડ કેસના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછ કર્યા પછી સમન્સ મોકલવામાં આવ્યા હતા. પૂછપરછમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ખુલાસો કર્યો હતો કે આ ખેલાડીઓ દ્વારા રોકાણ કરેલા રૂપિયા પરત કર્યા નથી.
CID અધિકારીઓને ટાંકીને અમદાવાદ મિરરના અહેવાલમાં જણાવ્યું હતું કે આઇપીએલ ટીમ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે 1.95 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જ્યારે અન્યએ ઓછી રકમ ઇન્વેસ્ટ કરી હતી. અધિકારીઓએ જાહેર કર્યું કે તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવશે.
સીઆઇડીના અધિકારીઓએ ભૂપેન્દ્રસિંહ ઝાલાના બેન્ક એકાઉન્ટ સંભાળતા રૂષિક મહેતાને પણ ઝડપ્યો હતો. આ મામલે એક અધિકારીને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે "જો મહેતાની સંડોવણી જણાશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. અમે ઝાલાના બેન્ક એકાઉન્ટ્સના ટ્રાન્જેક્શનની તપાસ કરવા માટે એક ટીમ બનાવી છે. વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
દરમિયાન સીઆઇડીની પ્રાથમિક પૂછપરછમાં ઝાલાએ 6000 કરોડ રૂપિયાની છેતરપિંડીની વાત કરી હતી. જોકે બાદમાં તે ઘટાડીને 450 કરોડ રૂપિયા કરી દીધી હતી. ઝાલાએ એક બિનસત્તાવાર એકાઉન્ટ બુક બનાવી હતી જે સીઆઇડીની ટીમે જપ્ત કરી હતી. જેમાં નોંધાયેલા ટ્રાન્જેક્શનની રકમ લગભગ 52 કરોડ રૂપિયા છે. વર્તમાન તપાસના આધારે અમે કુલ રકમ આશરે 450 કરોડ રૂપિયા હોવાનો અંદાજ લગાવીએ છીએ. ભવિષ્યમાં કાર્યવાહી બાદ તેવામાં વધારો થઇ શકે છે.
નોંધનીય છે કે બીઝેડ ગૃપના માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સીઆઇડી ક્રાઇમ સમક્ષ એક પછી એક મોટા ખુલાસા કર્યા છે. આ ખુલાસામાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે, પૉન્ઝી સ્કીમ ચલાવનારા મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું કે, તે રાજકારણમાં એન્ટ્રી કરવાની ફિરાકમાં હતો, પુછપરછ દરમિયાન તેને ખુલાસો કરતાં જણાવ્યુ કે, આગામી વિધાનસભા ચૂંટણી એટલે કે વર્ષ 2027માં તેને વિધાનસભા લડવાના અભરખા હતા.