સ્મૃતિ મંધાનાએ વન-ડેમાં સૌથી ઝડપી 5000 રન કરવાનો બનાવ્યો રેકોર્ડ, કોહલી- રિચાર્ડ્સને છોડ્યા પાછળ
Fastest to 5000 ODi Runs: વિરાટ કોહલી અને વિવિયન રિચાર્ડ્સને વન-ડે ક્રિકેટમાં 5,000 રન બનાવવા માટે 114 ઇનિંગ્સનો સમય લાગ્યો હતો

Fastest to 5000 ODi Runs: સ્મૃતિ મંધાના વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 5,000 રન બનાવનાર બેટ્સમેન બની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી 2025 મહિલા વર્લ્ડ કપની 13મી મેચમાં તેણીએ આ સિદ્ધિ મેળવી હતી. આ મેચમાં સ્મૃતિ મંધાનાએ 80 રનની અડધી સદી ફટકારી હતી, જેમાં પ્રતિકા રાવલ સાથે 155 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. વાસ્તવમાં મંધાનાએ હવે વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી રન બનાવનાર ખેલાડી તરીકે વિરાટ કોહલી અને વિવિયન રિચાર્ડ્સને પાછળ છોડી દીધા છે. ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 330 રન બનાવ્યા હતા.
વિરાટ અને વિવિયન રિચાર્ડ્સને પાછળ છોડી દીધા
વિરાટ કોહલી અને વિવિયન રિચાર્ડ્સને વન-ડે ક્રિકેટમાં 5,000 રન બનાવવા માટે 114 ઇનિંગ્સનો સમય લાગ્યો હતો. જોકે, સ્મૃતિ મંધાનાએ તેની વન-ડે કારકિર્દીની 112મી ઇનિંગ્સમાં 5,000 રન બનાવ્યા હતા. આ સાથે મંધાના મહિલા વન-ડે ક્રિકેટમાં 5,000 રન બનાવનાર સૌથી ઝડપી મહિલા બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝની દિગ્ગજ બેટ્સમેન સ્ટેફની ટેલરના નામે હતો, જેમણે 129 ઇનિંગ્સમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યું હતું.
પુરુષ અને મહિલા ક્રિકેટના આંકડાઓને જોડીને સ્મૃતિ મંધાના 5000 રન બનાવનારી ત્રીજી સૌથી ઝડપી મહિલા ક્રિકેટર છે. આ સંદર્ભમાં ફક્ત બાબર આઝમ (97 ઇનિંગ્સ) અને હાશિમ અમલા (101 ઇનિંગ્સ) જ તેનાથી આગળ છે. મંધાના 112 ઇનિંગ્સ સાથે આ યાદીમાં ત્રીજા નંબરે પહોંચી છે.
સ્મૃતિ મંધાનાએ ઇતિહાસ રચ્યો છે
સ્મૃતિ મંધાના એક કેલેન્ડર વર્ષમાં 1,000 વન-ડે રન બનાવનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. તેણીએ ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ કપ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. ઓસ્ટ્રેલિયાની બેલિન્ડા ક્લાર્ક આ રેકોર્ડમાં બીજા ક્રમે છે, જેણે 1997માં 970 રન બનાવ્યા હતા. મંધાનાએ આ વર્ષે ચાર વન-ડે સદી ફટકારી છે અને 2025માં વન-ડેમાં અગ્રણી મહિલા ક્રિકેટર છે.
મહિલા વર્લ્ડ કપ 2025 ની 13મી મેચમાં ભારતીય ટીમને ઑસ્ટ્રેલિયા સામે 3 વિકેટથી પરાજય મળ્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 330 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હોવા છતાં, ઑસ્ટ્રેલિયાએ 6 બોલ બાકી રહેતાં જ આ લક્ષ્ય હાંસલ કરી લીધું. આ જીત સાથે ઑસ્ટ્રેલિયાએ મહિલા ODI ક્રિકેટ ઇતિહાસમાં સૌથી સફળ રન ચેઝ નો નવો રેકોર્ડ બનાવ્યો છે. ઑસ્ટ્રેલિયન કેપ્ટન એલિસા હીલીએ (મિશેલ સ્ટાર્કની પત્ની) 142 રનની યાદગાર સદી ફટકારીને ભારતની જીતની આશા તોડી નાખી. સ્મૃતિ મંધાનાના 80 રન અને પ્રતિકા રાવલના 76 રનના પ્રદર્શન છતાં, ભારતની આ સતત બીજી હાર છે, જેના કારણે સેમિફાઇનલમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ બન્યો છે.




















