PBKS vs GT: શિખર ધવને ગુજરાત સામેની પોતાની 35 રનની ઈનિંગમાં બનાવ્યો આ અનોખો રેકોર્ડ, જાણો વિગતે
IPL 2022 ની 16મી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે ટક્કર જામી હતી. મુંબઈના ઐતિહાસિક બ્રેબોર્ન સ્ટેડિયમમાં બંને ટીમોની મેચ રોમાંચક રહી હતી.
IPL 2022 ની 16મી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે ટક્કર જામી હતી. મુંબઈના ઐતિહાસિક બ્રેબોર્ન સ્ટેડિયમમાં બંને ટીમોની મેચ રોમાંચક રહી હતી. આ મેચમાં ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ માટે ઉતરેલી પંજાબની ટીમના સ્ટાર બેટ્સમેન શિખર ધવને આજે એક અનોખો રેકોર્ડ બનાવી લીધો છે.
આ મેચમાં પંજાબ કિંગ્સના અનુભવી બેટ્સમેન શિખર ધવને એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. શિખર T20 કારકિર્દીમાં એક હજાર ચોગ્ગા પૂરા કરનાર વિશ્વનો પાંચમો અને પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. ધવને આ રેકોર્ડ ઝડપી બોલર લોકી ફર્ગ્યુસનની બોલ પર ચોગ્ગો ફટકારીને બનાવ્યો હતો. ધવને આજની મેચમાં કુલ 35 રન કર્યા હતા.
T20માં સૌથી વધુ ચોગ્ગાઃ
ક્રિસ ગેલ - 1132
એલેક્સ હેલ્સ - 1054
ડેવિડ વોર્નર - 1005
એરોન ફિન્ચ - 1004
શિખર ધવન - 1001
ટી20માં સૌથી વધુ ચોગ્ગા મારનાર ભારતીયઃ
શિખર ધવન - 1001
વિરાટ કોહલી - 917
રોહિત શર્મા - 875
સુરેશ રૈના - 779
ગૌતમ ગંભીર - 747
IPLમાં ધવનનું પ્રદર્શન:
ધવન હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં બીજા ક્રમે છે. આ વર્ષની સિઝનમાં 6000 રન પૂરા કરીને આ સિદ્ધિ મેળવનાર વિરાટ કોહલી પછી તે બીજો બેટ્સમેન બની શકે છે. આ મેચ પહેલા ધવને 195 IPL મેચોમાં 34.77ની એવરેજથી 5876 રન બનાવ્યા હતા. આ દરમિયાન ધવને 2 સદી અને 44 અડધી સદી ફટકારી હતી.
યુવા બોલર દર્શન નાલકંડેએ પોતાનું ડેબ્યુ કર્યું, દર્શન પોતાની હેટ્રિક ચુક્યો
આ સાથે આજની મેચમાં ગુજરાત ટાઈટન્સ માટે રમી રહેલા યુવા બોલર દર્શન નાલકંડેએ પોતાનું ડેબ્યુ કર્યું છે. આ યુવા બોલરે આજે એકબાદ એક એમ બે વિકેટ ઝડપી લીધી હતી. જો કે દર્શન પોતાની હેટ્રિક ચુક્યો હતો.
23 વર્ષના યુવાન બોલર દર્શન નાલકંડેએ 2018-19માં વિજય હઝારે ટ્રોફીમાં વિદર્ભ માટે મેચ રમી હતી. આજની મેચમાં દર્શન નાલકંડે પંજાબ ઉપર ભારે પડ્યો હતો. દર્શને 3 ઓવર બોલિંગ કરી હતી જેમાં 37 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. પહેલાં પંજાબના બેટ્સમેન જીતેશ શર્મા જે 23 રન કરી ચુક્યો હતો તેને દર્શને આઉટ કર્યો હતો. ત્યાર બાદ બીજા બોલ પર ઓડીન સ્મિથને પણ આઉટ કર્યો હતો. જો કે ત્રીજા બોલ પર કોઈ વિકેટ ના મળતાં દર્શન નાલકંડે પોતાની હેટ્રિક ચુક્યો હતો.