Twitter : ટ્વિટર ટ્રાફિકને લઈ ઈલોન મસ્કનું હંબક? આંકડામાં મોટો ફેરફાર
ડેટા ચોરી ઘટાડવા માટે મસ્કે આ પગલું ભર્યું છે. હકીકતમાં અત્યાર સુધી ટ્વિટર એક ઓપન પ્લેટફોર્મ હતું, જેના કારણે કોઈપણ તેના ડેટાને એક્સેસ કરી શકતું હતું અને તેને ગમે ત્યાં વાપરી શકતું હતું.
Twitter Restriction: ટ્વિટર સંભાળ્યા બાદથી મસ્કે તેમાં ઘણા ફેરફારો કર્યા છે. આપણે સૌકોઈ હવે આ પ્લેટફોર્મ પર કંઈક નવું જોવા માટે તૈયાર રહીએ છીએ. તાજેતરમાં જ મસ્કે પ્લેટફોર્મ પર વાંચવાની મર્યાદા લાદી દીધી છે. જેને અંતર્ગત બ્લુ ટિક યુઝર્સ એક દિવસમાં માત્ર 10,000 ટ્વીટ્સ, અનવેરિફાઈડ યુઝર્સ 1,000 ટ્વીટ્સ અને નવા ઉમેરાયેલા અનવેરિફાઈડ યુઝર્સ એક દિવસમાં માત્ર 500 ટ્વીટ જોઈ શકશે. આ ઉપરાંત જે લોકોનું ટ્વિટર પર એકાઉન્ટ નથી તેઓ હવે પ્લેટફોર્મથી સંબંધિત કંઈપણ એક્સેસ કરી શકશે નહીં.
ડેટા ચોરી ઘટાડવા માટે મસ્કે આ પગલું ભર્યું છે. હકીકતમાં અત્યાર સુધી ટ્વિટર એક ઓપન પ્લેટફોર્મ હતું, જેના કારણે કોઈપણ તેના ડેટાને એક્સેસ કરી શકતું હતું અને તેને ગમે ત્યાં વાપરી શકતું હતું. AI ટૂલ્સની રજૂઆત બાદ પ્લેટફોર્મ પર ડેટાની ચોરીમાં વધુ વધારો થયો હતો. ત્યાર બાદ મસ્કએ આ નિર્ણય લીધો છે.
સૌથી વધુ યુઝર્સનો રેકોર્ડ- મસ્ક
ઈલોન મસ્કએ આગલા દિવસે એક ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, ગયા અઠવાડિયે ટ્વિટર પર સૌથી વધુ સક્રિય યુઝર્સ સેકન્ડના હિસાબે નોંધવામાં આવ્યા હતા. આ પહેલા પણ મસ્ક આવા દાવા કરી ચુક્યા છે. એપ્રિલમાં બીબીસી સાથેની એક મુલાકાતમાં મસ્કે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા એપ્લિકેશન યુઝર્સ ઈંગેજમેન્ટ મામલે રેકોર્ડ બનાવી રહી છે અને મોટા જાહેરાત આપનારા પાછા આવી રહ્યા છે.
જો કે, સિમિલરવેબનો રિપોર્ટ કંઈક બીજું કહે છે અને કંપનીએ કહ્યું છે કે, ટ્વિટરમાં વાર્ષિક ધોરણે 18.7 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. SimilarWeb અનુસાર, "માર્ચમાં twitter.comની વિશ્વવ્યાપી વિઝિટમાં વાર્ષિક ધોરણે 7.3% ઘટાડો થયો છે, જે સતત ત્રીજા મહિને ઘટાડો દર્શાવે છે. Twitterની યુઝર્સ ઈંગેજમેન્ટ ઘટી રહી છે.
સિમિલરવેબનો રિપોર્ટ એ પણ જણાવે છે કે, એન્ડ્રોઇડ એપ્સ માટે માર્ચમાં સરેરાશ દૈનિક એક્ટિવ યુઝર્સમાં 9.8 ટકા અને માસિક એક્ટિવ યુઝર્સમાં 8 ટકાનો ઘટાડો થયો છે. મસ્કે માર્ચ મહિનામાં એક ટ્વીટ કર્યું હતું, જેને તેણે બીબીસીના એક ઇન્ટરવ્યુમાં પણ પુનરોચ્ચાર કર્યો હતો, કે ટ્વિટર હવે દરરોજ 8 બિલિયન મિનિટથી વધુ યુઝર એન્ગેજમેન્ટ રેકોર્ડ કરી રહ્યું છે, જે એક નવો રેકોર્ડ છે.
માસિક ટ્રાફિક વધઘટ
SimilarWebએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, અમને એવા કોઈ પુરાવા મળ્યા નથી કે ટ્વિટરના અગાઉના મેનેજમેન્ટે ક્યારેય આ ચોક્કસ મેટ્રિકની જાણ કરી હોય. સાથે જ ઉમેર્યું હતું કે, આ એવો દાવો છે જેની કંપની પુષ્ટિ કરી શકતી નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ટ્વિટરના ટ્રાફિકમાં દર મહિને વધઘટ થઈ રહી છે અને વૃદ્ધિની કોઈ નિશ્ચિત પેટર્ન નથી. એટલે કે મસ્ક શું કહે છે તેનો કોઈ પુરાવો નથી.