Hun To Bolish | હું તો બોલીશ | સંકટમાં સાવજ
જંગલની બહાર સિંહને મુખ્યત્વે ત્રણ પ્રકારના ખતરા હોય છે. પહેલું કારણ સુરેન્દ્રનગર-પીપાવાવની રેલવે લાઇન છે જ્યાં થતા અકસ્માતને કારણે તેમના જીવ પર સતત જોખમ છે. બીજું ખેડૂતોના ખેતરને જંગલી પ્રાણીઓથી બચવા માટે લગાવવામાં આવેલા ઇલેક્ટ્રિક ફેન્સિંગ અને ત્રીજું કારણ છે ખેતરોમાં દીવાલ વગરના કૂવાઓ. આ ત્રણ મુખ્ય કારણોને લઈને ગુજરાત હાઇકૉર્ટમાં સુઓમોટો પિટિશન પણ થઈ હતી. જેમાં હાઈકોર્ટે સિંહોના મોત અંગે અધિકારીઓને ખખડાવ્યા હતા. અને સિંહોના મોત થશે તો ટ્રેન અટકાવવા સુધીની ટકોર હાઈકોર્ટે કરી હતી. ત્યારબાદ વનવિભાગના અધિકારીઓએ સંયુક્ત મિટિંગ યોજીને એક SOP બનાવી. જે મુજબ ગીર જંગલમાંથી પસાર થતી ટ્રેનો હવે ફક્ત 30 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ચાલશે. જ્યારે રાત્રે એક પણ ટ્રેન જંગલમાંથી પસાર થશે નહીં. કારણ કે, સિંહો રાત્રે જ સક્રિય થાય છે. ઉપરાંત જંગલથી 12 કિલોમીટર દૂરના વિસ્તારોમાં ટ્રેન 40 કિલોમીટરની ઝડપે ચાલશે. હાલમાં લીલીયા, સાવરકુંડલા, રાજુલા અને પીપાવાવ વિસ્તારમાં સિંહની નોંધપાત્ર સંખ્યા છે. સરકારી આંકડા પ્રમાણે આ વિસ્તારમાં 100 જેટલા સિંહો વસવાટ કરે છે, અને સુરેન્દ્રનગરથી પીપાવાવ જતી રેલવે લાઇન પણ આ વિસ્તારમાંથી જ પસાર થાય છે. છેલ્લા બે વર્ષમાં 184 સિંહોના મોત થયા હતા. જેમાંથી 32 સિંહોના આકસ્મિક મોત થયા છે. સૌથી વધુ પીપાવાવ પોર્ટ રાજુલા વિસ્તારમાં સોથી વધુ સિંહોના ટ્રેક ઉપર મોત થયા છે. રાજ્ય સરકારે અવારનવાર અનેક યોજનાઓ થકી, સિંહોના સંવર્ધન માટે કામ કર્યું છે, જેના પરિણામે આજે 650થી વધુ સિંહ રાજ્યમાં છે. પરંતુ હવે આગળ શું? તેના પર વિચાર કરવાની જરૂર છે.