Hun to Bolish | હું તો બોલીશ | શૈતાનો વિરુદ્ધ સિંઘમ
સુરતનું સૈયદપુરામાં ગઈકાલે રાત્રે સાડા 9 વાગ્યાની આસપાસ વરિયાવી બજાર કા રાજા ગણેશ ઉત્સવમાં રિક્ષામાં આવેલા 6 લઘુમતી કોમના કિશોરોએ પથ્થરમારો કર્યો. જેને કારણે રોષે ભરાયેલા હજારોની સંખ્યામાં ગણેશભક્તોએ સૈયદપુરા ચોકીનો ઘેરાવો કરી કાર્યવાહીની માગ કરી. સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા. અને યુવકોને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા પોલીસ તેમજ સ્થાનિક ધારાસભ્યોએ સમજાવ્યા. આ તરફ યુવકોને સમજાવવામાં આવી રહ્યા હતા ત્યાં બીજી તરફ ફરી સાડા 10 વાગ્યાની આસપાસ નજીકમાં આવેલી બિલ્ડિંગો પરથી પથ્થરમારો શરૂ થયો. ત્યારબાદ બે ટોળા સામ સામે આવી ગયા. અને રાત્રે 11 વાગ્યા સુધી ટોળાઓએ તોફાન કરી કેટલાક વાહનોમાં આગચંપી પણ કરી. આ આગ કતારગામ દરવાજા સુધી પણ પહોંચી ગઈ હતી. ત્યાં પણ પથ્થરમારો થયો અને 2 વાહનમાં આગ લગાવવામાં આવી. પરિસ્થિતિ વણસે નહીં તે માટે ખુદ પોલીસ કમિશ્નર, ડીસીપી, એસીપી સહિત 1 હજારથી વધુ પોલીસકર્મીઓ હેલ્મેટ પહેરી ટોળાને અંકુશમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા. આ દરમિયાન પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ અને ટીયરગેસના સેલ પણ છોડયા. પથ્થરમારામાં DCP વિજયસિંહ ગુર્જર સહિત 10 જેટલા પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત પણ થયા. ગણતરીના સમયમાં જ પોલીસે પથ્થરમારો કરનારા કિશોરોને ઝડપી પાડ્યા. પોલીસે લોકોને સમજવાનો પ્રયાસ કર્યો કે આરોપી પકડાઈ ચૂક્યા છે અને અન્ય આરોપી હશે તેને પણ પકડી પાડવામાં આવશે. આ દરમિયાન સૈયદપુરા પોલીસ ચોકીની બાજુમાંથી પસાર થતા રસ્તા પર ફરી પથ્થરમારો શરૂ થયો. જેથી પોલીસે લોકોને અંતિમ ચેતવણી આપી અને અલગ અલગ ટુકડીઓ બનાવીને કોમ્બિંગ શરૂ કર્યું.. પોલીસની ટીમ જે બ્લિડિંગો પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે બિલ્ડિંગમાં પહોંચી. એક એક ઘરની તપાસ કરવામાં આવી. કેટલાક ઘરમાં તાળા મારેલા હતા. તે ઘરોમાં તાળા તોડીને તપાસ કરવામાં આવી. અને પોલીસે વીણી વીણીને આરોપીને ઝડપી પાડ્યા. બીજી તરફ પોલીસ અસામાજીક તત્વો બહાર નીકળે તો તેના ઉપર ડ્રોન થકી સંપૂર્ણ વિસ્તારની પરિસ્થિતિ પર નજર રાખી રહી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા. રાત્રે 2 વાગ્યે સ્થિતિ કાબૂમાં આવી. ત્યારબાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાત્રે 2 વાગ્યે શ્રીજીની આરતી કરી. હર્ષ સંઘવીએ જનતાને ખાતરી આપી હતી કે, સૂરજનું પહેલું કિરણ નીકળે તે પહેલા તમામ આરોપીઓને ઝડપી લેવાશે. તેમણે જેમ કહ્યું તેમ જ થયું. સવારે સાડા 6 વાગ્યાની આસપાસ 28 આરોપીઓની ધરપકડ કરવામાં આવી.