શું કૉંગ્રેસના દિગ્ગજ નેતા નારાયણ રાણે જોડાશે BJPમાં? અમદાવાદમાં શાહ સાથે કરી ગુપ્ત બેઠક
અમદાવાદ: મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટો ભૂકંપ આવી શકે છે. કૉંગ્રેસના દિગ્ગજ નેતા નારાયણ રાણે ભાજપમાં જોડાય શકે છે. નારાયણ રાણેએ અમદાવાદ આવી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. અમિત શાહ અને નારાયણ રાણે વચ્ચે આ મુલાકાત કાલે મોડી સાંજે થઈ હતી. આ મુલાકાતમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસે મધ્યસ્થીની ભૂમિકામાં જોવા મળ્યા હતા. સુત્રો પાસેથી આ વાતની જાણકારી મળી છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદમાં છે. શાહના પુત્ર જયની પત્ની ઋષિતાને બાળકીને જન્મ આપ્યો હતો. દાદા બન્યા હોવાથી શાહે દિલ્લીથી અમદાવાદ દોડી આવ્યા હતા. એવામાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેદ્ર ફડણવીસ અમદાવાદ આવી પહોંચ્યા હતા. ફડણવીસની મુલાકાત ગુપ્ત રાખવામાં આવી હતી તેમની મુલાકાત વિશે ગુજરાત સરકારને કોઈ ઔપચારિક સૂચના નહોતી આપવામાં આવી. રાજ્યના પ્રોટોકોલ વિભાગ પાસે ફડણવીસની ગુજરાત મુલાકાતને લઈને કોઈ માહિતી નહોતી. એવામાં રાજ્યના સુરક્ષા તંત્રને ખબર પડતા તાત્કાલિક ધોરણે દેવેંદ્ર ફડણવીસ માટે ગાડીઓના કાફલાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગાડીઓના કાફલો એજ હતો જે ગુજરાતના મુખ્યમંત્રી માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
દેવેંદ્ર ફડણવીસ અમદાવાદ એયરપોર્ટથી સીધા અમિત શાહને ઘરે જવાના હતા પરતું ફડણવીસે સુરક્ષાકર્મીઓને સર્કિટ હાઉસ એનેક્સી જવા માટે કહ્યું હતું. એનેક્સી સર્કિટ હાઉસ સ્ટેટ ગેસ્ટ હાઉસ તરીકે જાણિતું છે. એનેક્સી પહોંચ્યા બાદ ફડણવીસે કહ્યું, તેમના એક મિત્ર આવે છે, તેમની સાથે તેઓ જશે.
થોડી વારમાં ફડણવીસના મિત્ર સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. આ મિત્ર બીજુ કોઈ નહી પરંતુ મહારાષ્ટ્રની રાજનીતિના દિગ્ગજ નેતા નારાયણ રાણે હતા. નારાયણ રાણે સાથે તેમનો પુત્ર નીતેશ રાણે પણ હતો, જે હાલ ધારાસભ્ય છે. ફડણવીસ નારાયણ રાણે અને નીતેશ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી ગાડીઓમાં સવાર થતા ગાડીઓનો કાફલો આગળ ચાલ્યો હતો.
ફડણવીસ, નારાયણ રાણે અને નીતેશ અમિત શાહના ઘરે પહોંચ્યા હતા. રાણે અને અમિત શાહ વચ્ચેની મુલાકાતને ગુપ્ત રાખવામાં આવી હતી, પરતું મીડિયાને ફડણવીસના આવવાની જાણકારી પ્રાપ્ત થતા તેઓ કેમેરા સાથે ત્યા હાજર હતા. એવામાં ફડણવીસ ગાડીમાંથી નીચે ઉતરી અમિત શાહના ઘરમાં પહોંચ્યા હતા, પરંતુ નારાયણ રાણે અને નીતેશ ગાડીમાં જ બેઠા રહ્યા હતા, ત્યારબાદ ગાડીને થોડી આગળ લેવામા આવી હતી, ત્યારબાદ પિતા-પુત્ર શાહના ઘરમાં અદર પ્રવેશ્યા હતા.
રાત્રે દસ વાગ્યે આ બેઠકથી શરૂઆત થઈ હતી. અમિત શાહ સાથે ફડણવીસ, નારાયણ રાણે અને નીતેશ સાથેની મુલાકાત આશરે દોઢ કલાક સુધી ચાલી હતી. આ મુલાકાત બાદ ફડણવીસ ચાર્ટડ પ્લેન મારફત મુંબઈ જવા માટે રવાના થયા હતા, જ્યારે નારાયણ રાણે અને નીતેશ હોટેલ હયાત રિજેંસી જવા માટે રવાના થયા હતા, જ્યા તેમણે રાત્રી રોકાણ કરીને આજે સવારે મુંબઈ જવા માટે રવાના થયા હતા. અમદાવાદ એયરપોર્ટ પર તેઓ પહોંચતા મીડિયાએ તેમને સવાલો પુછ્યા હતા પરંતુ તેઓ જવાબ આપ્યા વગર નીકળી ગયા હતા.
સુત્રોનું માનીએ તો મહારાષ્ટ્રની રાજનીતિના દિગ્ગજ નેતા નારાયણ રાણે અને તેમના સર્મથકોને ભાજપમાં સામેલ કરી શાહ એક તીરથી બે નિશાન સાધશે. રાણેના ભાજપમાં સામેલ થવાના કારણે કૉંગ્રેસ નબળી પડશે, જ્યારે શિવસેના સામે ભાજપનું પલડુ ભારે થશે.