Manmohan Singh: ડૉક્ટર મનમોહન સિંહે કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડમાંથી કર્યો હતો અભ્યાસ, જાણો કેટલા મળ્યા હતા પુરસ્કાર?
Manmohan Singh: દેશની નહીં પરંતુ વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાંથી અભ્યાસ કર્યો છે, જેમાં ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

Manmohan Singh: દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું છે. ગત રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પૂર્વ પીએમ અને અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહે દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન તરીકે ફરજ બજાવનાર ડૉ. સિંહનો જન્મ 1932માં અવિભાજિત પંજાબમાં થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ અહીંથી જ થયું હતું. આ પછી તેમણે દેશની નહીં પરંતુ વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાંથી અભ્યાસ કર્યો છે, જેમાં ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. જાણો તેમણે કેટલો કર્યો હતો અભ્યાસ અને તેમને કેટલા મળ્યા હતા પુરસ્કાર?
26 નવેમ્બર, 1932ના રોજ પશ્ચિમી પંજાબ (હાલમાં પાકિસ્તાનમાં) Gah ગામમાં જન્મેલા મનમોહન સિંહનું બાળપણ મુશ્કેલીઓ અને પડકારોથી ભરેલું હતું. નાની ઉંમરે તેમની માતાનું અવસાન થયા બાદ તેમનો ઉછેર તેમની નાનીએ કર્યો હતો. બાળપણથી જ અભ્યાસમાં હોશિયાર મનમોહન સિંહે પંજાબ યુનિવર્સિટીમાંથી પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું, ત્યાર બાદ તેમની સફર આગળ વધતી રહી હતી.
ડૉ. મનમોહન સિંહે 1952માં પંજાબ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી અને 1954માં એમએ એટલે કે માસ્ટર ડિગ્રી મેળવી હતી. જે પૂર્ણ કર્યા પછી તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટી ગયા અને ત્યાંથી 1957માં અર્થશાસ્ત્રમાં ફર્સ્ટ ક્લાસ ઓનર્સ ડિગ્રી મેળવી હતી. બાદમાં તેમણે ઑક્સફર્ડમાં એડમિશન લીધું જ્યાં તેમણે 1962માં નફિલ્ડ કૉલેજમાંથી ડૉ.ફિલની ડિગ્રી મેળવી હતી.
અભ્યાસ પૂર્ણ કર્યા પછી ભારત પરત ફરેલા ડૉ.મનમોહન સિંહે શિક્ષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને પંજાબ યુનિવર્સિટી અને દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં સેવા આપી હતી. તેમની શિક્ષણ પદ્ધતિઓ અને જ્ઞાનના કારણે ટૂંક સમયમાં તેમની નિમણૂક UNCTAD સચિવાલયમાં કરવામાં આવી.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પંજાબ યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે કામ કરી ચૂક્યા છે. એક રિપોર્ટ મુજબ, યુનિવર્સિટીએ પુષ્ટી કરી કે તેમણે 1957-1959 વચ્ચે વરિષ્ઠ લેક્ચરર, 1959-1963 સુધી અર્થશાસ્ત્રમાં રીડર અને અર્થશાસ્ત્રના પ્રોફેસર (1963-1965) તરીકે સેવા આપી હતી. આ પછી વર્ષ 2018માં જ્યારે તેમણે પંજાબ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગની મુલાકાત લીધી ત્યારે તેમણે તેમના જૂના દિવસોને યાદ કર્યા હતા. આ પ્રસંગે તેમણે 'આપણી લોકશાહીના મૂળને મજબૂત કરવા' વિષય પર પ્રવચન પણ આપ્યું હતું. ડૉ. સિંહે 12 માર્ચ, 1983ના રોજ ડી.લિટ અને 11 માર્ચ, 2009ના રોજ એલએલડી ડીગ્રી મેળવી હતી.
UNCTAD સચિવાલયમાં કામ કર્યા પછી તેમની આગામી નિમણૂક જિનેવામાં સાઉથ કમિશનમાં થઈ હતી જ્યાં તેમણે સેક્રેટરી-જનરલ તરીકે સેવા આપી હતી. ભારતમાં ડૉ. મનમોહન સિંહના વહીવટી યોગદાનની વાત કરીએ તો તેમણે નાણા મંત્રાલયના આર્થિક સલાહકાર, મુખ્ય આર્થિક સલાહકાર, આરબીઆઈના ગવર્નર, યોજના આયોગના ઉપાધ્યક્ષ રહીને તેમની ક્ષમતાનો લાભ દેશને આપ્યો હતો.
બે વખત દેશના વડાપ્રધાન
દેશના પૂર્વ પીએમ મનમોહન સિંહની રાજકીય કારકિર્દી વર્ષ 1971માં આર્થિક સલાહકાર તરીકે શરૂ થઈ હતી. આ પછી તેઓ ટૂંક સમયમાં નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર અને સચિવ જેવા મહત્વના હોદ્દા પર રહ્યા હતા. તે સમયે જ્યારે દેશની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી ત્યારે વિદેશી રોકાણને પ્રોત્સાહિત કરવા માટે ઘણા સુધારા કરવામાં આવ્યા હતા. ડૉ.સિંહે તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન અનેક એવોર્ડ મેળવ્યા. વર્ષ 1987માં તેમને ભારતના સર્વોચ્ચ સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
મનમોહન સિંહ આરબીઆઈના ગવર્નર, નાણાં મંત્રાલયમાં સચિવ, યોજના પંચના ઉપાધ્યક્ષ, વડા પ્રધાનના સલાહકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ સહિત અનેક મહત્ત્વના હોદ્દા પર હતા. 1991માં તેમણે નાણા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને 2004 થી 2014 સુધી સતત 10 વર્ષ સુધી દેશના વડા પ્રધાન રહ્યા હતા. વિશ્વના સૌથી શક્તિશાળી લોકોમાંના એક ગણાતા ડૉ.સિંહને ભારતમાં અને વૈશ્વિક સ્તરે ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારો અને સન્માનો મળ્યા હતા.
આ એવોર્ડથી થયા હતા સન્માનિત
ડૉ.મનમોહન સિંહને તેમની કારકિર્દી દરમિયાન અનેક પુરસ્કારો અને સન્માન મળ્યા હતા. તેમાં ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ (1987), ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનો જવાહરલાલ નેહરુ જન્મ શતાબ્દી પુરસ્કાર (1995); એશિયા મની એવોર્ડ ફોર ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ ધ યર (1993 અને 1994) નાણા મંત્રી માટે યુરો મની એવોર્ડ ઓફ ધ યર (1993); કેમ્બ્રિજ યુનિવર્સિટીનું એડમ સ્મિથ પુરસ્કાર (1956); અને સેન્ટ જ્હોન્સ કોલેજ, કેમ્બ્રિજ (1955) ખાતે ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે રાઈટ્સ પુરસ્કાર પણ સામેલ છે.
ડૉ.મનમોહન સિંહને જાપાનના કેઈઝાઈ શિમ્બુન સહિત અન્ય ઘણી સંસ્થાઓ દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટી સહિત અનેક યુનિવર્સિટીઓમાંથી માનદ પદવીઓ પણ પ્રાપ્ત કરી છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કર્સ સહિત અનેક સંસ્થાઓ દ્વારા તેમને માનદ ફેલો તરીકે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. સેન્ટ જોન્સ કોલેજ, કેમ્બ્રિજ, રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાન, N.C.E.R.T; ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન અને નેશનલ એકેડમી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સે પણ સન્માનિત કર્યા હતા.
તે સિવાય મનમોહન સિંહને અનેક યુનિવર્સિટીઓ તરફથી માનદ પદવીઓ પ્રાપ્ત થઈ છે. જેમાં પંજાબ યુનિવર્સિટી, દિલ્હી યુનિવર્સિટી, ઇટાલીની બોલોગ્ના યુનિવર્સિટી, ઓસ્માનિયા યુનિવર્સિટી, ધનબાદમાં ઇન્ડિયન સ્કૂલ ઑફ માઇન્સ સામેલ છે. તે સિવાય કેનેડાના એડમોન્ટનની યુનિવર્સિટી ઑફ આલ્બર્ટા તરફથી ડૉક્ટર ઑફ લૉઝની માનદ પદવી મળી હતી.
1954: પંજાબ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર્સ ડિગ્રી પ્રાપ્ત કરી.
- 1957: કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક ટ્રાઇપોસ (3-વર્ષનો ડિગ્રી પ્રોગ્રામ).
- 1962: ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડી.ફિલ
- 1971: ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે જોડાયા.
- 1972: નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિમણૂક.
- 1980-1982: યોજના આયોગના સભ્ય
- 1982-1985: ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર
- 1985-1987: યોજના આયોગના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી
- 1987-1990: જિનેવામાં દક્ષિણ કમિશનના સેક્રેટરી જનરલ
- 1990: આર્થિક બાબતો પર વડા પ્રધાનના સલાહકાર તરીકે નિયુક્ત.
- માર્ચ 1991: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત
- 1991: પ્રથમ વખત આસામમાંથી રાજ્યસભાના સભ્ય બન્યા
- 1991-1996: પીવી નરસિમ્હા રાવ સરકારમાં નાણામંત્રી
- 1998-2004: રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા
- 2004-2014: ભારતના વડાપ્રધાન
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
