Tapi | રાણીઅંબામાં એક પેડ માં કે નામ' અંતર્ગત લોકોએ કર્યું વૃક્ષોનું વાવેતર Watch Video
સોનગઢ તાલુકાનાં રાણીઅંબા ગામે રાજ્યનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં 'એક પેડ માં કે નામ' અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક આદિવાસી સમાજનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડુંગર નજીક એક સાથે મોટી સંખ્યાનાં લોકોની હાજરીમાં 7 હજારથી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા. દરમિયાન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સ્થાનિક વનવિભાગ અને પ્રાકૃતિક સંસ્થાનાં સહયોગથી આજે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં હજારો લોકો પોતાની માતા માટે એક વૃક્ષ વાવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનાઅભિયાનથી દરેક નાગરિક પ્રભાવિત થયો છે અને વૃક્ષ વાવી રહ્યો છે. ત્યારે આજનાં આ કાર્યક્રમમાં આદિવાસી સમાજનાં 08 વર્ષથી લઈને 80 વર્ષ સુધીનાં નાગરિકો હજારોની સંખ્યામાં હાજર રહ્યા અને પોતાની માતાનાં નામે એક વૃક્ષનું રોપણ કર્યું છે. તાપી જિલ્લાના સોનગઢનાં આ કાર્યક્રમની સમગ્ર રાજય અને દેશનાં લોકો નોંધ લેશે.
રાજ્યનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જ્યારે કાર્યક્રમ સ્થાન પર આવ્યા ત્યારે તેમણે પોતાની કોમનમેનની છબી દાખવી હતી, જેમાં તેઓ કાર્યક્રમ સ્થાન પર પહોંચતાની સાથે સ્ટેજ પર ગયા હતા, પરંતુ સ્ટેજની સામે હજારો લોકો ખુલ્લા આસમાન નીચે ઊભા હતા અને વરસાદમાં પલળી રહ્યા હતા ત્યારે હર્ષ સંઘવીએ (Harsh Sanghvi)સ્ટેજ પરથી ઉતરી લોકોની વચ્ચે આવ્યા હતા અને માથેથી છત્રી હટાવી લોકોની જેમ પલળીને લોકોને કાર્યક્રમના અભિનંદન પાઠવ્યાં હતાં. કાર્યક્રમમાં મોટી સંખ્યાનાં લોકો પગરખા વગર અને છત્રી વગર ઉપસ્થિત હતા. ત્યારે તેઓ પણ લોકોને મળવા પહોંચ્યા હતા અને પ્રોત્સાહિત કર્યા હતા.