Crime News | રાજસ્થાનના MLA રવિન્દ્ર ભાટીને મારી નાંખવાની ધમકી આપનાર અમદાવાદથી ઝડપાયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ રથયાત્રાને લઈને એક્ટિવ બની ગઈ છે અને સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે જ રાજસ્થાનના શિવ વિધાનસભાના ધારાસભ્ય રવિન્દ્રસિંહ ભાટીને ઈન્સ્ટાગ્રામ પર જાનથી મારી નાખવાની ધમકી આપતો વીડિયો બનાવનારા આરોપીને ક્રાઈમ બ્રાંચે કાલુપુર રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો છે.
ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાનના શિવ વિધાનસભાના ધારાસભ્યને જાનથી મારી નાખવાની ધમકી આપનારો કાલુપુર રેલ્વે સ્ટેશન ચાની કિટલી પાસે છે. જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે તે જગ્યાએ પહોંચી કેશારામ ઉર્ફે કિશનલાલ ઉર્ફે કે.ડી માંજુ (રહે. રાજસ્થાન, ગીડા)ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન તેણે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવીને ધારાસભ્ય રવિન્દ્રસિંહ ભાટીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં તે ગીડા પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં વોન્ટેડ છે. વધુ પૂછપરછ દરમિયાન તેણે મધ્યપ્રદેશ ખાતેથી એક પિસ્ટલ અને 10 કારતૂસ ખરીદી કર્યા હતા. જે હથિયારના ટેસ્ટ માટે તેણે એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. બાકીના 9 કારતૂસ તથા પિસ્ટલ તેણે તેની બાઈકની અંદર ચોર ખાનુ બનાવીને સંતાડયા હતા. જે બાઈક ગીડા પોલીસ સ્ટેશનમાં જમા હોવાથી આ મામલે ક્રાઈમ બ્રાંચે આરોપીને રાજસ્થાન સોંપવા માટેની તજવીજ હાથ ધરી છે.