Banaskantha Heavy Rain: બનાસકાંઠામાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
મુશળધાર વરસાદથી થરાદ થયું પાણી પાણી. સોસાયટીઓ, મંદિરો, રસ્તાઓ વરસાદી પાણીમાં ગરકાવ થયા. રસ્તા પર કમરસુધીના પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું.. રેસ્ટ હાઉસથી તાલુકા પંચાયતના રસ્તા પર ઘુંટણસમા પાણી ભરાતા. તો સરકારી કચેરી તરફનો આખેઆખો રસ્તો પાણીમાં ગરકાવ થયો. ગણેશ સોસાયટી અને મહાલક્ષ્મી સોસાયટી સહિતના વિસ્તારોમાં તો કમરસુધી પાણી ભરાયા. લોકોના ઘર, દુકાનમાં પાણી ભરાતા ઘરવખરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું. પોલીસ સ્ટેશન નજીક આવેલ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ.. સોસાયટીના લોકો પણ પ્લાસ્ટિકના પાઈપ પર બેસીને પાણીમાંથી પસાર થવા મજબુર બન્યા. થરાદની સરકારી વાણિજ્ય કોલેજ પાણીમાં ગરકાવ થઈ ગઈ.. કોલેજ કેમ્પસમાં કમરસુધીના વરસાદી પાણી ભરાયા.
ભારે વરસાદથી થરાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ તારાજી સર્જાય. જમડા, લેડાઉ, વામી સહિતના ગ્રામ્ય વિસ્તારોના ખેતરો બેટમાં ફેરવાયા. નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાતા બાજરી સહિતનો પાકનો સોથ વળી ગયો. બાજરીનો પાક જમીન દોસ્ત થતા ખેડૂતો પણ નુકસાનીની ચિંતા સતાવવા લાગી છે. આ તરફ વાવના ખેતરો પણ વરસાદી પાણીથી લબાલબ જોવામળ્યા. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી ફક્ત અને ફક્ત પાણી જ જોવા મળી રહ્યું છે..
થરાદથી મલુપુરને જોડતો રસ્તો પણ વરસાદી પાણી ભરાતા બંધ થયો છે.. રસ્તા પર પાણી ભરાતા કૃષ્ણનગર, આંબેડકરનગર સહિતની સોસાયટીના જવુ મુશ્કેલ બની રહ્યું છે. વરસાદી પાણી ભરાતા સોસાયટીના રહિશોમાં પણ પ્રશાસનની કામગીરીને લઈને રોષ જોવા મળી રહ્યો છે. આ તરફ થરાદ, વાવ અને સુઈગામને જોડતો રસ્તો સંપૂર્ણપણે બંધ થયો છે. થરાદ-વાવ વચ્ચેના હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થયો. રસ્તો બંધ થતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા. થરાદથી ભાભર હાઈવે પણ પાણીમાં ગરકાવ થયો. ભાભર અને મીઠા જવાનો ફોર લેન હાઈવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અટવાયા.


















