Gujarat Rain Forecast: રાજ્યમાં 30 ઓગષ્ટ સુધી વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે. રાજ્યના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.રાજ્યમાં 30 ઓગષ્ટ સુધી ભારે વરસાદનું અનુમાન છે , આજે પાંચ જિલ્લામાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,પાટણ અને મોરબીમાં અતિભારે વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર કરાયું છે. 16 જિલ્લા અને બે સંઘપ્રદેશમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર,મહેસાણા, ખેડા, મહિસાગર, પંચમહાલ,દાહોદ, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનિય છે કે, બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમે આકાર લીધું છે. જેની અસરથી ગુજરાતમાં ઓગસ્ટના અંત સુધી વરસાદ વરસતો રહેશે. ઉપરવાસમાં સતત વરસાદથી ધરોઈમાંથી સાબરમતીમાં 75 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. ડેમમાં પાણીનો આવરો વધતા હજુ પણ વધુ માત્રામાં પાણી છોડવું પડે તેવી શક્યતા છે. ધરોઈમાંથી છોડાઈ રહેલું પાણી વાયા સંત સરોવર અમદાવાદ પહોંચતા સાબરમતી બંને કાંઠે વાસણા બેરેજના 30 પૈકીના 25 દરવાજા ગઈકાલથી ખૂલ્લા મૂકાયા છે.



















