Dang Rain : ડાંગમાં વરસાદે બગાડી લગ્નની મજા, પવન સાથે વરસાદ પડતાં મંડપ ધરાશાયી, જુઓ અહેવાલ
Dang Rain : ડાંગમાં વરસાદે બગાડી લગ્નની મજા, પવન સાથે વરસાદ પડતાં મંડપ ધરાશાયી, જુઓ અહેવાલ
Dang Rain : આજે ડાંગ, વલસાડ અને અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ડાંગમાં પડેલા વરસાદે લગ્નની મજા બગાડી હતી. પવન સાથે વરસાદ પડતા લગ્નનો મંડપ ઉડી ગયો હતો. જેને કારણે જમણવાર પર પાણી ફરી વળ્યું હતું. વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે પણ પલટો આવ્યો હતો. ધરમપુર અને કપરાડા તાલુકાના મહારાષ્ટ્રની હદ પર આવેલા અનેક ગામડાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. છેલ્લા એક અઠવાડિયાથી વરસતા કમોસમી વરસાદને કારણે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
કપરાડા તાલુકાના અંધાર પાડા, વારણા, મોરખલ, ભંડાર કચ્છ, કોઠાર, ઓઝર સહીતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બીજી તરફ ધરમપુર તાલુકાના ખડકી, મધુરી, ઉલ્લાસ પિંડી તેમજ મહારાષ્ટ્રના બોર્ડરના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. આ પહાડી વિસ્તારમાં વરસાદને લઇ નદી નાળાઓમાં નવા નીરની આવક થઇ રહી છે.
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીને અડીને આવેલા કપરાડાના ધારણમાળ, ધાડવી, ટૂકવાડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે લોકોને ગરમી અને બફારાથી રાહત તો મળી હતી પરંતુ ભર ઉનાળે કમોસમી વરસાદને લઇ કેરી અને લીલા શાકભાજીમાં નુકસાનને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યાં છે.
અમરેલી જિલ્લામાં વરસાદ
અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં વરસાદ વરસ્યો છે. લાઠી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મૂકાયા છે.
અમરેલી જિલ્લામાં ફરી બરબાદીનો વરસાદ ખાબક્યો છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં વરસાદ વરસ્યો છે. લાઠીના કેરાળા, પીપળીયા, જરખીયા ગામમાં વરસાદ વરસ્યો છે. હરીપર સહિતના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કેરાળા ગામની બજારમાં પાણી વહેતા થયા હતા. અમરેલી-લાઠી હાઈવે પર ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા.
















