Violent clash in Sabarkantha | સાબરકાંઠાના મજરા ગામે હિંસક જૂથ અથડામણ, હાલ કેવો માહોલ!
સાબરકાંઠાના મજરા ગામમાં શુક્રવારની રાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ. અગાઉની જુની અદાવતમાં થયેલી આ જૂથ અથડામણમાં અસંખ્ય વાહનોમાં તોડફોડ કરવામાં આવી. ગ્રામજનોના મકાનો અને મિલકતોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યુ. તોફાની તત્વોએ તો એક કારને પણ આગને હવાલે કરી દીધી. ગામમાં આવેલા ભૈરવદાદા મંદિરે દિવાળી તહેવાર નિમિત્તે ત્રણ દિવસ આરતી અને ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.. શુક્રવારે આરતી સમયે જ બે જૂથના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બોલાચાલી બાદ સ્થિતિ વણસી અને બંન્ને જૂથે સામસામે પથ્થરમારો શરૂ કરીને વાહનો અને મકાનોને નુકસાન પહોંચાવ્યુ.. જૂથ અથડામણમાં ઈજાગ્રસ્ત આઠ લોકોને સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. હિંસક જૂથ અથડામણ થતા ગામમાં પણ દહેશતનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પણ મજરા ગામ પહોંચીને કાર્યવાહી કરી. 60 લોકો વિરૂદ્ધ નામજોગ અને 110થી વધુના ટોળા સામે પોલીસે ફરિયાદ નોંધીને 20 વ્યક્તિઓની અટકાયત કરી. કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પેટ્રોલિંગ કરીને પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.




















