Weather Forecast: આગામી પાંચ દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાનું ભારતીય હવામાન વિભાગનું અનુમાન
ઉત્તર પશ્ચિમ ભારતમાં આકાશમાંથી આગ વરસતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દેશના કેટલાક રાજ્યોમાં ગરમીની સ્થિતિ ચિંતાજનક બનતી જાય છે. ત્યારે કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થઈ ચૂક્યું છે. અને હજુ પણ આગામી પાંચ દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાનું ભારતીય હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. દેશમાં સૌથી વધુ તાપમાન દિલ્લીના નજફગઢમાં 47.4 ડિગ્રી નોંધાયુ. જ્યારે રાજસ્થાનના 19, હરિયાણાના 18, દિલ્લીના આઠ અને પંજાબના બે સ્થળોએ તાપમાનનો પારો 45 ડિગ્રીથી વધુ તાપમાન નોંધવામાં આવ્યું હતુ. નજફગઢ પછી દેશમાં સૌથી વધુ તાપમાન હરિયાણાના સિરસામાં 47.1 ડિગ્રી નોંધાયુ હતુ. આ અગાઉ 30 એપ્રિલે પશ્ચિમ બંગાળના કલાઈકુંડામાં 47.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. ભારતીય હવામાન વિભાગે રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્લીમાં તિવ્ર ગરમી પડશે. હરિયાણા, પંજાબ, પૂર્વ રાજસ્થાન, દિલ્લી, યુપી, બિહારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. ઓરેન્જ એલર્ટને પગલે બાળકો, વૃદ્ધો અને બિમાર વ્યક્તિઓને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.