Surendranagar : યુવકને ગળે ટુંપો દઈ હત્યા કરી નાંખી હોવાનો પરિવારનો દાવો, કોને હત્યા કરી હોવાની વ્યક્ત કરી શંકા?
દરવાજો ન ખુલતા દિવાલ કૂદી અંદર પ્રવેશ્યા હતા. તેમજ ત્યાં જઈને જોતા દશરથનું મોઢું કાળા રંગની પ્લાસ્ટિકની કોથળીથી ઢાંકેલું હતું. તેમજ તેનું શરીર પણ સૂન પડેલું હતું. આથી તેમણે પોલીસને જાણ કરી હતી.
સુરેન્દ્રનગરઃ ચુડાના ખાંડિયા ગામે યુવાનનું રહસ્યમય રીતે મોત થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. બીજી તરફ પરિવારે પુત્રે આત્મહત્યા નહીં, પરંતુ તેની ગળે ટૂંપો આપીને હત્યા કરાઈ હોવાનો દાવો કર્યો છે. હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચુડા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ખાંડિયાનો જીવાભાઈ મેળજીયાનો પરિવાર બહારગામ ગયો હતો. દરમિયાન મંગળવારે જીવાભાઈનો દિવ્યાંગ પુત્ર દશરથ મેળજીયા પોતાના ઘરે સૂતો હતો. બીજા દિવસે કૌટુંબિક ભાઈ રામદેવ મેળજીયા પરિવાર સાથે ગયા હતા. તેમજ દશરથનું ઘર ખખડાવ્યું હતું. પરંતુ દરવાજો ન ખુલતા દિવાલ કૂદી અંદર પ્રવેશ્યા હતા. તેમજ ત્યાં જઈને જોતા દશરથનું મોઢું કાળા રંગની પ્લાસ્ટિકની કોથળીથી ઢાંકેલું હતું. તેમજ તેનું શરીર પણ સૂન પડેલું હતું. આથી તેમણે પોલીસને જાણ કરી હતી. પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરતાં ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લેવાઈ હતી.
બીજી તરફ પરિવારના સભ્ય દ્વારા આક્ષેપ કરાયો હતો કે, અમારા પરિવાર સાથે રાજુ નાગર સાકરિયા, વિક્રમ નાગર સાકરિયા અને તેનો પરિવાર વર્ષોથી કોઈને કોઈ બાબતે ઝઘડો કર્યાં કરે છે. 6 વર્ષ પહેલા મારા ભાઈ ભરત મેળજીયાની હત્યા રાજુ, વિક્રમ સાકરીયાએ કરી હતી. આ સિવાય ચાર વર્ષ પહેલા દશરથના ભાઈ જગદીશનું પણ અપમૃત્યુ થયું હતું. તેને પણ આત્મહત્યામાં ખપાવી દેવાયું હતું. એટલું જ નહીં તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે, મારા દાદા ભાવુભાઈ ઉપર પણ રાજુ તેની પત્ની અને તેની માતાએ ધારિયાનો ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો. આ સાથે દશરથ ક્યારેય આપઘાત ન કરે તેવો દાવો પણ કર્યો હતો. તેમજ તેમણે હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું.