(Source: ECI/ABP News/ABP Majha)
Video: પૂરઝડપે આવી રહેલી ટ્રેન સામે Instagram Reel બનાવી રહ્યો હતો યુવક, ટક્કર વાગતા હવામાં ઉછળ્યો અને....
તેલંગાણાના કાઝીપેટમાં યુવાનને પૂરઝડપે આવતી ટ્રેનની સામે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવી ખૂબ ભારે પડ્યુ હતું.
તેલંગાણાના કાઝીપેટમાં યુવાનને પૂરઝડપે આવતી ટ્રેનની સામે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવી ખૂબ ભારે પડ્યુ હતું. યુવક ટ્રેનની ટક્કરથી દૂર ફેંકાઇ ગયો હતો. વાસ્તવમાં યુવક પૂરઝડપે આવી રહેલી ટ્રેનની સામે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન ટ્રેનની ટક્કરથી તે હવામાં ઉછળીને રેલવે ટ્રેક પર પડી ગયો હતો. આ અકસ્માતમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. યુવકનો મિત્ર તેનો વીડિયો ઉતારી રહ્યો હતો.
#Why pic.twitter.com/xFuG0UN2h4
— Vishal Dharm (@VishalDharm1) September 4, 2022
ગંભીર રીતે ઘાયલ યુવકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. યુવકની ઓળખ 17 વર્ષીય અક્ષય રાજ તરીકે થઈ હતી. અક્ષય વાડેપલ્લીની કોલેજમાં પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.
મળતી માહિતી મુજબ, અક્ષય તેના મિત્ર સાથે રેલવે ટ્રેક પાસે ‘ઇન્સ્ટાગ્રામ રીલ' બનાવવા માટે આવ્યો હતો. જેવો મિત્રએ અક્ષયનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું કે તરત જ રેલવે ટ્રેક પર એક હાઈસ્પીડ ટ્રેન પસાર થઇ હતી. અક્ષય તેનાથી બિલકુલ અજાણ હતો. દરમિયાન ટ્રેનની ટક્કરથી અક્ષય દૂર સુધી ફેંકાયો હતો. તબીબોના જણાવ્યા અનુસાર તેની હાલત હજુ પણ ગંભીર છે. સારવાર ચાલુ છે. આ ઘટના ચાર સપ્ટેમ્બરની છે.
ટ્રેનની અડફેટે બે છોકરાઓના મોત થયા હતા
આ પહેલા બિહારના કટિહારમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. અહીં ટ્રેનની સામે રીલ બનાવવી બે છોકરાઓને ભારે પડી હતી. ટ્રેનની અડફેટે આવી જતાં બંનેના મોત થયા હતા. આ અકસ્માતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મળતી માહિતી મુજબ, 18 વર્ષીય મોહમ્મદ બરગદ અને 15 વર્ષીય મોહમ્મદ મુસ્તકીમ સોશિયલ મીડિયા પર રીલ બનાવતા હતા. એક દિવસ બંનેએ રેલ્વે ટ્રેકની સામે રીલ બનાવવાનો પ્રયાસ કર્યો. રાજધાની એક્સપ્રેસ આવે તેની થોડી મિનિટો પહેલા જ બંને રેલવે ટ્રેક પર દોડવા લાગ્યા હતા. પરંતુ આ રીલ બંનેના જીવનની છેલ્લી રીલ સાબિત થઈ હતી. બંન્ને રાજધાની એક્સપ્રેસ નીચે કચડાઇ ગયા હતા. જેના કારણે તેઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.