The Kashmir Files : જાણો ક્યાં રાજ્યના પોલીસકર્મચારીઓને કાશ્મીર ફાઇલ્સ જોવાની ખાસ રજા મળશે
The Kashmir Files : આ ફિલ્મ મધ્યપ્રદેશ, હરિયાણા અને ગુજરાતમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે.
The Kashmir Files : ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. કાશ્મીરી પંડિતોની હિજરત અને હત્યા પર બનેલી ફિલ્મની દેશભરમાં ચર્ચા થઈ રહી છે ત્યારે હવે મધ્યપ્રદેશ સરકારના ગૃહમંત્રીએ એક ડગલું આગળ વધીને ડીજીપીને સૂચના આપી છે. તેમણે કહ્યું કે જે પણ પોલીસકર્મી પોતાના પરિવાર સાથે અથવા તો એકલા ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોવા માંગે છે તો તેને રજા આપવામાં આવે.
ગૃહમંત્રીએ કહ્યું છે કે મધ્યપ્રદેશ પોલીસ કર્મચારીઓને ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોવા માટે રજા આપવામાં આવશે. આ સંદર્ભમાં ડીજીપીને સૂચના આપવામાં આવી છે કે જ્યારે પોલીસકર્મીઓ તેમની સુવિધા અનુસાર આ ફિલ્મ જોવા માંગે છે તો તેમને રજા આપવામાં આવે. તમને જણાવી દઈએ કે આ પહેલા મધ્યપ્રદેશ સરકારે પણ રાજ્યમાં ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને ટેક્સ ફ્રી કરી છે.
ત્રણ રાજ્યોએ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને ટેક્સ ફ્રી કરી
તમને જણાવી દઈએ મધ્યપ્રદેશ, હરિયાણા અને ગુજરાત સરકારે પણ રાજ્યમાં ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને ટેક્સ ફ્રી કરી છે. ગુજરાત સરકારના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર આની જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને રાજ્યમાં ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય લીધો છે.
મહારાષ્ટ્રમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ ઉઠી
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં વિધાનસભા સત્ર દરમિયાન 'ધ કાશ્મીર ફાઇલ'નો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. વિધાનસભામાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ કરવામાં આવી હતી. ભાજપના ધારાસભ્ય મંગલપ્રભાત લોઢાએ ગૃહમાં કહ્યું, "કાશ્મીર ફાઇલ્સ સારી ફિલ્મ છે. તેને કરમુક્ત બનાવો." બીજેપીના અન્ય ધારાસભ્યોએ કહ્યું કે અમારા પગારમાંથી પૈસા લો, પરંતુ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરો. બીજેપી ધારાસભ્યની માંગ સાંભળ્યા બાદ અજિત પવારે કહ્યું કે તેઓ પહેલાથી જ તેના પર વિચાર કરી રહ્યા છે.
'ધ કાશ્મીર ફાઇલ્સ'એ કેટલી કમાણી કરી?
'ધ કાશ્મીર ફાઇલ્સ' 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. એક તરફ, સાઉથના સુપરસ્ટાર એટલે કે બાહુબલી પ્રભાસ, તો બીજી તરફ, અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તી જેવા દિગ્ગજ સ્ટાર્સ બોક્સ ઓફિસ પર સામસામે ઉભા છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શની માહિતી અનુસાર, 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ ફિલ્મના પહેલા દિવસે લગભગ 3.55 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. શનિવારે 8.50 કરોડ એકત્ર થયા હતા. તે પ્રમાણે ફિલ્મ જબરદસ્ત કમાણી કરી રહી છે. ફિલ્મને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે.