Gujarat Politics: આદિવાસી સમાજ વિરૂદ્ધ ભાજપ ષડયંત્ર રચે છે, ચૈતર વસાવા સમાજના આઈકોનઃ ઈસુદાન ગઢવી
ઈસુદાન ગઢવીએ પોલીસ વિભાગ પર સવાલ ઉઠાવતાં કહ્યું, ચૈતર વસાવા ચૂંટણીનો પ્રચાર ન કરી શકે એ માટે કારસો છે.
AAP: જંગલની જમીન ખેડવાના મુદ્દે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને ઘેર બોલાવી, મારી નાખવાની ધમકી આપી એક રાઉન્ડ ફાયરિંગ કરતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓની ફરિયાદના આધારે ડેડિયાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ચૈતર વસાવા હાલ ફરાર છે. આ મુદ્દે આજે આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
ઈસુદાન ગઢવીએ શું કહ્યું
પ્રેસ કોન્ફરન્સમાં ઈસુદાન ગઢવીએ કહ્યું, ભાજપની આદિવાસી વિરોધી માનસિકતા છે. ભાજપે હંમેશા આદિવાસીઓનું અપમાન કર્યું છે. ચૈતર વસાવા આદિવાસી સમાજના આઈકોન છે. આદિવાસી સમાજ વિરૂદ્ધ ભાજપ ષડયંત્ર રચે છે. સમગ્ર આદિવાસી સમાજમાં રોષ છે. વનવિભાગના કર્મચારીઓએ જમીન પર વાવેતર કાપ્યું, કર્મચારીઓએ ખેડૂતોનો ઉભો પાક બરબાદ કર્યો, ખેડૂત-વનવિભાગના કર્મચારીઓ વચ્ચે સમાધાન થયુ હતું.
30 ઓક્ટો.ની ઘટનાની ફરિયાદ 2 નવે.એ નોંધાઈ હતી. કોઈ ફાયરિંગ કરાયુ નથી, પૂરાવા આપો. ભાજપના ઈશારે ઉપજાવી કાઢેલી ફરિયાદ છે. ઈસુદાન ગઢવીએ પોલીસ વિભાગ પર સવાલ ઉઠાવતાં કહ્યું, ચૈતર વસાવા ચૂંટણીનો પ્રચાર ન કરી શકે એ માટે કારસો છે.
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની અને P.A સામે ફરિયાદ બાદ હવે મોડી રાત્રે 3 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા હતા. મહત્વનું છે કે, ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા. જે બાદમાં ચૈતર વસાવાના પત્ની, પીએ અને ખેડૂતને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. વનવિભાગે ચૈતર વસાવા તેના પત્ની અને પીએ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ મથકે ખોટી ફરિયાદ નોંધાઇ છે જે બાબત ની માંગ લઈને ધારાસભ્યના સમર્થકોએ દેડીયાપાડા બંધનું એલાન આપ્યું હતું. આ બંધને નિષ્ફળ કરવા જાતે સાંસદ મનસુખ વસાવા અને ભાજપના કાર્યકરો બજારમાં દુકાનો ખોલવા નીકળ્યા હતા અને પોલીસે પણ જોકે ડેડીયાપાડા ખાતે સવારે સજ્જડ પોલીસ બધોબસ્ત ગોઠવી દઈને દુકાનો ખોલવાં અપીલ કરી હતી.
જોકે આ બાબતે આમ આદમી પાર્ટીના આગેવાનોએ કહ્યું, ધારાસભ્યને સરકાર 2024 ની ચૂંટણી ને લઈને હેરાન કરવા માંગે છે. લોકપ્રિય ધારાસભ્ય હોય આદિવાસી સમાજ તેમના સાથે છે.અંબાજી થી ઉમરગામ સુધી આદિવાસી સમાજ ચૈતર વસાવાની સાથે છે. સરકાર આ તમામ આક્ષેપો પાછાં લઈને નિર્દોષ જાહેર કરે.