INYC : રાષ્ટ્રીય યુથ કોંગ્રેસની નવી બોડી જાહેર, ગુજરાતના 3 યુવાઓનો સમાવેશ
Indian National Youth Congress : ગુરુવારે યુથ કોંગ્રેસની નવી કમિટીની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 33 ટકા સીટો મહિલાઓને આપવામાં આવી છે.
AHMEDABAD : કોંગ્રેસ પાર્ટી દ્વારા પાર્ટીની યુવા પાંખ ભારતીય રાષ્ટ્રીય યુથ કોંગ્રેસ (Indian National Youth Congress)ની નવી બોડી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ નવી બોડી જાહેર કરી છે. રાષ્ટ્રીય યુથ કોંગ્રેસમાં ગુજરાતના 3 યુવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હરપાલસિંહ ચુડાસમા અને પલક વર્માની જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો પૂજા શાહની જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
નવી બોડીમાં 33 ટકા મહિલાઓને સ્થાન
ગુરુવારે યુથ કોંગ્રેસની નવી કમિટીની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 33 ટકા સીટો મહિલાઓને આપવામાં આવી છે. યુથ કોંગ્રેસે 10 મહામંત્રી, 67 સેક્રેટરી અને નવ જોઇન્ટ સેક્રેટરી બનાવ્યા છે. રાહુલ રાવ મીડિયા વિભાગના વડા અને મનુ જૈન સોશિયલ મીડિયાના વડા હશે. ક્રિષ્ના અલ્લાવારુ યુથ કોંગ્રેસના પ્રભારી અને શ્રીનિવાસ બી. વી. પ્રમુખ છે.
રાહુલ ગાંધીને ફરીથી પાર્ટી અધ્યક્ષ બનાવવાની માંગ
કોંગ્રેસની યુવા પાંખે ગુરુવારે 9 જૂને એક ઠરાવ પસાર કરીને રાહુલ ગાંધીને ફરીથી પાર્ટી અધ્યક્ષ બનાવવાની માંગ કરી છે.ભારતીય રાષ્ટ્રીય યુથ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, હિમાચલ પ્રદેશના કાંગડામાં આયોજિત સંગઠનની કાર્યકારી બેઠકમાં આ ઠરાવ અને અન્ય કેટલાક ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા.
બે દિવસીય આ બેઠકમાં સંગઠનના મુખ્ય કાર્યક્રમો જેમ કે "યુવા જોડો, બૂથ જોડો", "યુથ કનેક્ટ પ્રોગ્રામ", "વન બૂથ, ફાઇવ યુથ", આગામી વિધાનસભાની ચૂંટણીના સંબંધમાં ચૂંટણી વ્યવસ્થાપન કાર્યક્રમમાં પણ ભાગ લેશે. અને સંસ્થાની ચૂંટણી અને સભ્યપદ અંગે આંતરિક ચર્ચાઓ કરવામાં આવી હતી.
સંગઠને કહ્યું કે, ભારતીય યુવા કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં સંગઠનના દૃષ્ટિકોણથી અને દેશના સળગતા પ્રશ્નોના દૃષ્ટિકોણથી ઘણા મુખ્ય ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. સૌથી મહત્ત્વનો મુદ્દો એ હતો કે કોંગ્રેસ રાહુલ ગાંધીને ફરીથી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા જોઈએ. તમામ સભ્યોએ સર્વાનુમતે આ ઠરાવ પસાર કર્યો હતો.