Accident: અમદાવાદમાં અકસ્માતની હારમાળા, BRTS બસની ટક્કરથી એકનું મોત
અમદાવાદમાં અલગ અલગ ત્રણ અકસ્માતોમાં એક વ્યક્તિનું મોત થયું હતું
Accident: અમદાવાદમાં અકસ્માતોની હારમાળા સર્જાઇ હતી. મળતી જાણકારી અનુસાર, અમદાવાદમાં અલગ અલગ ત્રણ અકસ્માતોમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે કેટલાક લોકોને ઇજા પહોંચી હતી. અમદાવાદમાં બેફામ BRTSએ વધુ એક જિંદગીનો ભોગ લીધો હતો. શહેરમાં બેફામ દોડતી BRTS બસના ચાલકે ઠ્કકરનગર પાસે એક રાહદારીને અડફેટે લીધો હતો. બસની ટક્કરે રાહદારીને ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. આ અકસ્માત નરોડાથી નારોલ તરફ જઈ રહેલી BRTSએ સર્જ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
અન્ય એક અકસ્માતમાં અમદાવાદના વાળીનાથ ચોક પાસેના એઈસી બ્રિજ પર મોડીરાત્રે સર્જાયો હતો. સૂત્રોના મતે IIM તરફથી પૂરગતિએ આવેલા થાર કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે થાર બ્રિજના છેડે દીવાલ સાથે ધડાકાભેર ટકરાઈ અને આગળનું ટાયર પણ નીકળી ગયું હતું. અકસ્માત બાદ કાર પલટી ગઈ હતી. તો આ સમયે સાઈડમાં રહેલી વેગનાર કારને પણ થાર ગાડીએ ટક્કર મારી હતી. બનાવના પગલે મોડી રાત્રે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
અમદાવાદના નિકોલના ડી-માર્ટ રોડ પર એક બેફામ કાર ચાલકે અકસ્માતની હારમાળા સર્જી હતી. કાર ચાલકે બે એક્ટિવા અને એક બાઈક તથા એક કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણ વ્યકિત ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. રામોલ ટ્રાફિક આઈ ડિવિઝને અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી હતી. ઘટના સ્થળેથી મળતી માહિતી પ્રમાણે કાર ચાલક રોડ પરથી પસાર થતો હતો ત્યારે સામેથી આવતા એક બાઈક સવાર કાર સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલક ગભરાઈ ગયો હતો અને ગભરાટમાં જ કાર હંકારતા અન્ય વાહનોને ટક્કર મારી હોવાનો પ્રત્યદર્શીઓએ દાવો કર્યો હતો.