Bhavnagar Rain: ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ શરુ
આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. ભાવનગર જિલ્લામાં પણ આજે વાતાવરણ પલટાયું છે. ભાવનગર શહેરમાં બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો છે.

ભાવનગર : આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. ભાવનગર જિલ્લામાં પણ આજે વાતાવરણ પલટાયું છે. ભાવનગર શહેરમાં બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. હવે બપોર બાદ વરસાદની તીવ્રતા વધી છે. ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ
ભાવનગર શહેરના ભીડભંજન ચોક, જશોનાથ સર્કલ, કાળાનાળા, નવાપરા, ઘોઘા ગેઇટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે. લાંબા સમય બાદ વરસાદ વરસતા લોકો પણ ખુશખુશાલ થયા છે. ધોધમાર વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભારે વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરુઆત થઈ ગઈ છે.
સુરત શહેરમાં ભારે વરસાદ
સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભેસ્તાન વિસ્તારમાં ભારે વરસાદને લઈ પાણી ભરાવાની સ્થિતિ થઈ છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભારાય છે.
પ્રશાસનના પાપે સુરતના નાગરિકો મુશ્કેલીમાં
સુરત શહેરમાં ફરી એક વખત પ્રશાસનના પાપે સુરતના નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા છે. સુરત શહેરના માર્ગો પર જળબંબાકારની સ્થિતિ છે. વરસાદી પાણી ભરાતા ભેસ્તાન-સચિન માર્ગ બંધ છે. મુખ્ય માર્ગ પાસેની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે. સુરત શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.
2 ઈંચથી વધારે વરસાદમાં જ સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદી પાણીના કારણે જનજીવનને અસર થઈ છે. મેઘરાજાએ ફરી સુરત મહાનગરપાલિકાની પ્રીમોનસૂન કામગીરીની પોલ ખોલી છે.
હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં એક સાથે ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે સાત દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આગામી સાત દિવસ રાજ્યના અલગ-અલગ જિલ્લામાં ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
આજે 12 જિલ્લા અને બે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 16 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડની સાથે દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, દીવ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ
રાજ્યમાં હાલ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી સાર્વત્રિક વરસાદ નોંધાઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 8 જુલાઇ સુધી સારા સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. 8 જુલાઇ બાદ વરસાદનું જોર ઘટી શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં સાડા 6 ઈંચ વરસાદ વરસ્યો છે.





















