દેવામાં ડુબેલ અદાણી ગ્રુપને લાગ્યો મોટો જેકપોટ, આ ફંડે આપી 3 અબજ ડોલરની લોન, કંપનીના સ્ટોકમાં શાનદાર તેજી
હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના વધુ પડતા દેવા અંગે પ્રશ્નો ઉભા થયા હતા. જાન્યુઆરીમાં અહેવાલ આવ્યા બાદ અદાણી ગ્રુપની સાત લિસ્ટેડ કંપનીઓએ તેમના માર્કેટ કેપમાં $140 બિલિયનનો ઘટાડો નોંધાવ્યો છે.
Adani Enterprises Share Price: અદાણી ગ્રુપ માટે વધુ એક મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે અદાણી ગ્રુપને સોવરિન વેલ્થ ફંડમાંથી $3 બિલિયનની લોન મળી છે. એક રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રુપે લેણદારોને ત્રણ અબજ ડોલરની લોન મેળવવાની જાણકારી આપી છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ લોનની મર્યાદા $5 બિલિયન સુધી વધી શકે છે.
બુધવારે સમાપ્ત થયેલા ત્રણ દિવસીય રોડ શો દરમિયાન રોકાણકારોને જારી કરાયેલા મેમોમાં આ માહિતી આપવામાં આવી છે. જો કે, આ મેમોમાં એ માહિતી આપવામાં આવી નથી કે આ સોવરિન વેલ્થ ફંડ્સ કયા છે, જેમાંથી અદાણી ગ્રુપને લોન મળી છે. રોયટર્સે પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે.
માર્ચના અંત સુધીમાં આટલી લોન ચૂકવવાની અપેક્ષા છે
અદાણી ગ્રુપને $3 બિલિયનની લોન મળવાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે એક દિવસ પહેલા અદાણી ગ્રુપના મેનેજમેન્ટે માહિતી આપી હતી કે માર્ચના અંત સુધીમાં $690 મિલિયનથી $790 મિલિયન શેર સંબંધિત લોનની ચુકવણી કરી શકાશે. તમને જણાવી દઈએ કે અદાણી ગ્રુપે આ સપ્તાહ દરમિયાન સિંગાપોર અને હોંગકોંગમાં રોડ શો કર્યા છે, જેથી તે રોકાણકારોનો વિશ્વાસ જીતી શકે.
140 અબજ ઘટ્યું માર્કેટ કેપ
હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના વધુ પડતા દેવા અંગે પ્રશ્નો ઉભા થયા હતા. જાન્યુઆરીમાં અહેવાલ આવ્યા બાદ અદાણી ગ્રુપની સાત લિસ્ટેડ કંપનીઓએ તેમના માર્કેટ કેપમાં $140 બિલિયનનો ઘટાડો નોંધાવ્યો છે.
અદાણી ગ્રુપના આ શેરમાં વધારો
બુધવારે અદાણી ગ્રુપના શેરમાં મોટો વધારો થયો છે. બજાર બંધ થયું ત્યાં સુધીમાં અદાણી એન્ટરપ્રાઈઝ 15.78 ટકા વધીને રૂ. 1,579 પર બંધ રહ્યો હતો. અદાણી પાવર લગભગ 5 ટકાની અપર સર્કિટ લગાવીને શેર દીઠ રૂ. 153 પર હતો. અદાણી પોર્ટ્સનો શેર 1.56 ટકા વધીને રૂ. 601.70 હતો. અદાણી વિલ્મરનો શેર રૂ. 379.70, અદાણી ગ્રીન રૂ. 509, ટોટલ ગેસ રૂ. 712 અને ટ્રાન્સમિશન રૂ. 675 પર બંધ રહ્યો હતો. આ શેરોમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો છે.
નોંધનીય છે કે, અદાણી ગ્રુપ પર અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટથી ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીને અબજોનુ નુકસાન થયું છે. ગૌતમ અદાણી નેટવર્થમાં મજબૂત ઘટાડાને કારણે વિશ્વના અમીરોમાં તેમનો પ્રભાવ ઝડપથી ઘટ્યો છે. તેઓ દુનિયાના અમીરોની યાદીમાંથી ટોપ-30માંથી પણ બહાર થઇ ગયા છે.