2021માં ગૌતમ અદાણીએ જેફ બેઝોસ, ઇલોન મસ્ક કરતાં પણ વધારે કમાણી કરી, આંકડો ચોંકાવનારો
એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીના નેટવર્થમાં પણ ૮.૧ અબજ ડોલરનો વધારો થયો છે.
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં આ વર્ષે જેટલો વધારો થયો છે તેટલો દુનિયામાં બીજા કોઈ અબજપતિની સંપત્તિમાં થયો નથી. બ્લૂમ્બર્ગ બિલિયોનર ઈંડેક્સના અહેવાલ પ્રમાણે આ વર્ષે સંપત્તિ વધારવામાં ગૌતમ અદાણીએ વિશ્વના સૌથી ધનપતિ જેફ બેજોસ અને ઈલોન મસ્કને પણ પાછળ છોડી દીધા છે.
વર્ષ 2021ના કેટલાક મહિનાઓમાં જ અદાણીની સંપત્તિ ૧૬.૨ અબજ ડોલરથી વધીને ૫૦ અબજ ડોલરે પહોંચી છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિના વધારા પાછળ અદાણી ગ્રુપની પોર્ટથી લઈને પાવર પ્લાન્ટ્સની કંપનીઓમાં પર રોકાણકારોનો વિશ્વાસ છે. જેના કારણે સંપત્તિમાં અધધધ અબજો રૂપિયાનો વધારો થયો છે.
તો ચાલુ વર્ષે મસ્કની સંપત્તિમાં અત્યાર સુધીમાં 10.3 અબજ ડોલર અને બેઝોસની સંપત્તિમાં 7.59 અબજ ડોલરનો વધારો થયો છે. તો એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીના નેટવર્થમાં પણ ૮.૧ અબજ ડોલરનો વધારો થયો છે.
અદાણી ગ્રુપની કંપનીઓના શૅર બજારમાં પ્રદર્શનની વાત કરીએ તો Adani total gas Ltd. ના સ્ટોક 96 ટકા, adani enterprisesમાં 90 ટકા, adani power Ltd અને adani ports and Special economics માં 52 ટકાનો વધારો થયો છે. અદાણી ગ્રીન એનર્જી લિ. ગયા વર્ષે ૫૦૦ ટકા ઊછળ્યો હતો અને આ વર્ષે અત્યાર સુધીમાં ૧૨ ટકા વધ્યો છે.
અદાણી એન્ટરપ્રાઈઝ લિ.એ ગયા મહિને ભારતમાં ૧ ગીગાવોટની ક્ષમતાવાળું ડેટા સેન્ટર વિકસાવવા કરાર કર્યા છે. નીકા એડવાઈઝરી સર્વિસીસના સ્થાપક અને સીઈઓ સુનિલ ચંદિરામાણીએ જણાવ્યું હતું કે, ગૌતમ અદાણી બજાર સાઈકલ મજબૂત હોય તેવા ક્ષેત્રોમાં તેમનો કારોબાર સતત વિસ્તારી રહ્યા છે. હવે તેમણે ડેટા સેન્ટર બિઝનેસમાં પ્રવેશ કર્યો છે. આ સાથે જૂથે ટેક્નોલોજીમાં પ્રવેશ માટે તેની ક્ષમતાના સંકેત આપ્યા છે.