Oyo Hotels IPO: OYO આગામી સપ્તાહે જમા કરાવશે IPO માટે દસ્તાવેજ, જાણો બજારમાંથી કેટલા કરોડ એકત્ર કરવાની છે યોજના
OYO IPO: ઓયોમાં સોફ્ટબેંકનો 46 ટકા હિસ્સો છે અને સૌથી મોટા રોકાણકારોમાંથી એક છે. કંપની આઈપીઓમાં નવા શેર જાહેર કરશે અને વર્તમાન શેરધારકોને ઓફર ફોર સેલ દ્વારા હિસ્સો વેચશે.
નવી દિલ્હીઃ સોફ્ટબેંક ગ્રુપ દ્વારા સમર્થિત ભારતીય સ્ટાર્ટ અપ ઓયો હોટલ્સ અને રૂમ આગામી સપ્તાહે આઈપીઓ માટે બજાર નિયામક સેબી પાસે દસ્તાવેજ જમા કરાવી શકે છે. સૂત્રો મુજબ કંપની બજારામાંથી આશરે એક અબજ ડોલર એકત્ર કરવા માટે આઈપીઓ લાવશે.
કેટલા કરોડ એકત્ર કરવાની છે યોજના
હોટલ એગ્રીગેટર ભારતની નાણાકીય રાજધાની મુંબઈમાં શેરને લિસ્ટ કરવાશે અને તેનો આઈપીઓ આશરે 1 અબજ ડોલરથી 1.2 અબજ ડોલર (8000 કરોડ રૂપિયા)નો હશે. કંપની આઈપીઓમાં નવા શેર જાહેર કરશે અને વર્તમાન શેરધારકોને ઓફર ફોર સેલ દ્વારા હિસ્સો વેચશે.
ગત સપ્તાહે ઓયોની પ્રમુખ કંપની ઓરાવેલ સ્ટેઓ ઓયો પ્રાઇવેટ લિમિટેડ કંપનીથી એક પબ્લિક લિમિટેડ કંપનીમાં બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ પહેલા ઓરાવેલ સ્ટેના બોર્ડે કંપનીની ઓથોરાઇઝ્ડ શેર કેપિટલને 1.7 કરોડ રૂપિયાથી વધારીને 901 કરોડ રૂપિયા કરવાને મંજૂરી આપી હતી.
આયોમાં સોફ્ટબેંકનું કેટલું છે રોકાણ
ઓયોમાં સોફ્ટબેંકનો 46 ટકા હિસ્સો છે અને સૌથી મોટા રોકાણકારોમાંથી એક છે. પરંતુ વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટ દરમિયાન કર્માચારી છટણી, ખર્ચમાં ઘટાડો અને ખોટનો સામનો કરી રહી છે. ઓયોના સંસ્થાપક અને સીઈઓ રીતેશ અગ્રવાલે જુલાઈમાં કહ્યું હતું કે, ભારતમાં કંપનીનો કારોબાર કોવિડ-19 સંક્રમણની બીજી લહેરના પૂર્વ સ્તર પર પહોંચી ગયો છે અને હવે અમે અહીંયાથી આગળ વધીશું.
ઓયોએ ક્યારે બનાવી લિસ્ટિંગની યોજના
જુલાઈમાં ફૂડ ડિલીવરી ફર્મ ઝોમેટો લિમિટેડના સુપરહિટ આઈપીઓ બાદ ઓયોએ લિસ્ટિંગની યોજના બનાવી હતી. બર્કશાયર હેથવે ઈંક સમર્થિત પેટીએમ અને પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ ટીપીજી સમર્થિત નાયકાએ પણ આઈપીઓ માટે સેબી પાસે દસ્તાવેજ જમા કરાવ્યા છે. રાઇડ હેલિંગ કંપની ઓલાને સોફ્ટબેંકનું સમર્થન મળ્યું છે અને તે પણ બજારમાં પ્રવેશવાની તૈયારીમાં છે.