(Source: ECI/ABP News/ABP Majha)
Zomato Share Price: અલીબાબા બુધવારે બ્લોક ડીલમાં $200 મિલિયનના Zomato શેર ડિસ્કાઉન્ટમાં વેચી દેશે
અલીબાબા પાસે ઝોમેટોમાં લગભગ 13 ટકા હિસ્સો છે. અલીબાબાએ બે સબસિડિયરી કંપનીઓ દ્વારા આ હોલ્ડિંગ જાળવી રાખ્યું છે.
Zomato Share Block Deal: બુધવારે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ કંપની Zomatoના શેરમાં મોટી હિલચાલ જોવા મળી શકે છે. ચીનની અગ્રણી ઈ-કોમર્સ કંપની અલીબાબા ગ્રુપ હોલ્ડિંગ લિમિટેડ Zomatoમાં 3 ટકા હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે. બ્લોક ડીલ દ્વારા અલીબાબા 200 મિલિયન ડોલર એટલે કે રૂ. 1640 કરોડના શેર વેચવા જઈ રહી છે. મોર્ગન સ્ટેનલી આ ડીલમાં બ્રોકરની ભૂમિકા ભજવી રહ્યું છે.
એવું માનવામાં આવે છે કે આ બ્લોક ડીલ બુધવારે થઈ શકે છે. જેમાં અલીબાબા ગ્રુપ ઝોમેટોના શેર મંગળવારના બંધ ભાવથી 5 થી 6 ટકાના ડિસ્કાઉન્ટ પર વેચવા જઈ રહ્યું છે. મંગળવારે બજારના બંધ સમયે Zomatoનો શેર 1.32 ટકાના ઘટાડા સાથે રૂ. 63.55 પર બંધ થયો હતો.
અલીબાબા પાસે ઝોમેટોમાં લગભગ 13 ટકા હિસ્સો છે. અલીબાબાએ બે સબસિડિયરી કંપનીઓ દ્વારા આ હોલ્ડિંગ જાળવી રાખ્યું છે. બુધવારે બ્લોક ડીલમાં 3 ટકા શેર વેચ્યા બાદ અલીબાબા પાસે 10 ટકા હિસ્સો બાકી રહેશે. અગાઉ જુલાઈમાં, ઝોમેટોમાં લોક-ઈન પિરિયડના અંત પછી, કંપનીના મુખ્ય રોકાણકારો સેક્વોઈયા કેપિટલ ઈન્ડિયા, ટાઈગર ગ્લોબલ મેનેજમેન્ટ અને ઉબેરે બ્લોક ડીલ અથવા ઓપન માર્કેટમાં તેમનો હિસ્સો વેચી દીધો હતો.
આજ મહિનામાં, રાઇડ-હેલિંગ પ્લેટફોર્મ ઉબેરે ઝોમેટોમાં તેનો 7.8 ટકા હિસ્સો $390 મિલિયનથી વધુમાં વેચ્યો હતો. Zomatoએ મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, "અમે એક સાર્વજનિક કંપની છીએ અને અમારા શેરધારકો તેમના શેર સાથે શું કરી રહ્યા છે તેની અમને કોઈ માહિતી નથી."
આ બ્લોક ડીલ ઝોમેટોમાં ત્યારે થવા જઈ રહી છે જ્યારે કંપનીના વરિષ્ઠ સ્તર પર પોસ્ટ કરાયેલા લોકોએ રાજીનામું આપી દીધું છે. કંપની લગભગ 4 ટકા લોકોની છટણી પણ કરી રહી છે. Zomato તેની IPO કિંમત રૂ.76ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. શેરે રૂ. 169ની ઊંચી સપાટી બનાવી અને નીચામાં રૂ.40ની નજીક પહોંચી ગયો હતો. સ્ટોક એક્સચેન્જ પર Zomatoના સ્ટોકનું લિસ્ટિંગ અદભૂત રહ્યું હતું. રૂ.76નો શેર રૂ.115ની આસપાસ લિસ્ટ થયો હતો. પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી, શેરે તેના રોકાણકારોને નિરાશ કર્યા છે.
મંગળવારે Zomatoનો શેર 1.63 ટકાના ઘટાડા સાથે રૂ. 63.35 પર બંધ થયો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઝોમેટોની કોન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ ઘટીને રૂ. 251 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 430 કરોડની ચોખ્ખી ખોટ હતી.