Heeraben Modi : હીરાબાએ આકરી મહેનત કરીને કઇ રીતે મોદી સહિતના સંતાનોને ઉછેર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની ઉંમરે નિધન થયુ હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની ઉંમરે હોસ્પિટલમાં નિધન થયુ હતું. બુધવારે તબિયત લથડતા તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હીરાબાએ આજે (30 ડિસેમ્બર) સવારે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. હીરાબાનો જન્મ મહેસાણાના વિસનગરમાં થયો હતો. માતાનો પ્રેમ મળ્યો ન હોવા છતા તે એક ઉમદા માતા સાબિત થયા.
હીરાબાએ માતાનો ચહેરો પણ જોયો નહોતો કે માતાની મમતા પણ અનુભવી નહોંતી છતા તેમણે પોતાના સંતાનોને અખુટ માતૃત્વ પ્રદાન કર્યું હતું. તેઓ તેમની અથાગ મહેનતમાં સફળ રહ્યા તેમની તેમને તેમના પુત્રોને જોઈને હંમેશા ગર્વ થતું હતું.હીરાબાના લગ્ન માત્ર 15 થી 16 વર્ષની ઉમરે થયા હતા. દામોદરદાસ મોદી સાથે લગ્ન બાદ તેઓ વડનગરમાં એક બારી વગરના નાના મકાનમાં રહ્યા. ઘરમાં છાણા સળગાવી ચુલા પર રાંધતા હતા.
ઘરમાં કે ઘર પાસે નળની કોઈ વ્યવસ્થા નહોતી તેથી હીરાબા દિવસમાં બે વાર કૂવામાંથી પાણી લાવતા હતા. સાથે જ કપડા ધોવા માટે દરરોજ ગામના તળાવે જતા.ઘણી વખત નરેન્દ્ર મોદી સહિત તેમના સંતાનો પણ માતા સાથે તળાવે જતા હતા.હીરાબા અને દામોદરદાસને છ બાળકો હતા. જેમાં ત્રીજા નંબરે વડાપ્રધાન મોદી હતા. તે સિવાય અમૃત મોદી, પંકજ મોદી, પ્રહલાદ મોદી, સોમા મોદી અને પુત્રી વાસંતીબેન હસમુખલાલ મોદી.
હીરાબેને જીવનભર સંઘર્ષ કર્યો હતો. પીએમ મોદીએ પોતાની માતાના સંઘર્ષનો ઘણી વખત ભાવનાત્મક રીતે ઉલ્લેખ કર્યો છે. 2015માં ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ સાથેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ તેમની માતાના સંઘર્ષને યાદ કર્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે, 'મારા પિતાના અવસાન પછી માતા બીજાના ઘરે જઈને વાસણો સાફ કરતી અને પાણી ભરીને ગુજરાન ચલાવતી અને અમને ખવડાવતી. ત્યારબાદ માતાની સમસ્યાઓને યાદ કરીને પીએમ મોદી ભાવુક થઈ ગયા અને રડી પડ્યા.
હીરાબાના પરિવારની આર્થિક સ્થિતિ અને પારિવારિક સમસ્યાઓના કારણે તેમને ક્યારેય ભણવાની તક મળી ન હતી. હીરાબા પોતે અભણ હતા, પરંતુ તે ઈચ્છતા હતા કે તેના તમામ બાળકો શિક્ષિત બને.પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોંતી પરંતુ બાળકોને ભણાવવા હતા. હીરાબા પાસે ફી ભરવાના પૈસા પણ નહોતા, પરંતુ હીરાબાએ ક્યારેય પૈસા ઉછીના લીધા ન હતા અને બાળકોના ભણતરની ફી માટે બીજાના ઘરે વાસણ માંજવા સહિતના કામ કર્યા હતા.
હીરાબા આસપાસના લોકો અને ખાસ કરીને બાળકો અને મહિલાઓ માટે એક ડોક્ટર કે એક વૈદની ગરજ સારતા હતા. કારણે કે તેઓ તમામ ઘરગથ્થુ ઉપચારો જાણતા હતા. હીરાબા ભલે અભણ હતા, પરંતુ વડનગરના લોકો તેમને ડૉક્ટરના નામથી બોલાવતા હતા.હીરાબા વડનગરમાં નાના બાળકો અને મહિલાઓની નાની મોટી સારવાર પણ કરી લેતા હતા. એ જમાનામાં સ્ત્રીઓ પોતાની તકલીફો બહાર કહી શકતી ન હતી, તેથી તેઓ હીરાબા પાસે તેમની સારવાર કરાવતી હતી.
આર્થિક સ્થિતી સારી ન હોવાથી તેમણે ક્યારેય બહારનું કંઈ ખાધું નહોતુ. પરંતુ હીરાબાને આઈસ્ક્રીમ ખૂબ જ ભાવતો. અને તેના માટે તે ક્યારેય ના નહોતા પાડતા. ઉમરનો મોટો પડાવી વટાવી ચુક્યા હતા છતાં પણ તેમને આઈસ્ક્રીમ ઘણો ભાવતો અને ખાઈ પણ લેતા હતા.હીરાબા હંમેશા તેના કામમાં વ્યસ્ત રહેતા હતા. તેમનો નિત્યક્રમ માત્ર કામ અને તેમનો પરિવાર જ તેમનું સર્વસ્વ હતું. ઈશ્વર પર તેમને અખૂટ શ્રદ્ધા હતી. રોજ નિત્યક્રમ પ્રમાણે પૂજાપાઠ કરવાનું તે ક્યારે ન ચુકતા.