(Source: ECI/ABP News/ABP Majha)
ભરૂચના નેત્રંગમાં પતંગ ચગાવતા ધાબા પરથી પટકાતાં એક યુવકનું મોત
નેત્રંગની લાલ મંટોરી ગુજરાતી શાળાના ધાબા પર યુવક પતંગ ચગાવતા નીચે પટકાયો હતો
ભરૂચઃ આજે સમગ્ર રાજ્યમાં વાસી ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. ભરૂચના નેત્રંગમાં પતંગ ચગાવતા જતા ધાબા પરથી પડી જતા 42 વર્ષીય એક યુવકનું મોત થયું છે. નેત્રંગની લાલ મંટોરી ગુજરાતી શાળાના ધાબા પર યુવક પતંગ ચગાવતા નીચે પટકાયો હતો. ધાબા પરથી પટકાતા યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના કારણે તેનું મોત થયું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ઉત્તરાયણ પર ગુજરાતમાં 248 લોકોના પતંગની દોરીથી ગળાં કપાયા, બેના મોત
ગુજરાતમાં ગઈ કાલે ધામધૂમથી ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. જોકે, ઉત્તરાયણના દિવસે અકસ્માતની અલગ અલગ ઘટનાઓ સામે આવી હતી. રાજ્યમાં સાંજ સુધીમાં 248 લોકોના પતંગની દોરીથી ગળાં કપાયા હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 74 લોકોને દોરીથી ઈજા થઈ હતી. 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને સાંજના 9 વાગ્યા સુધીમાં 3367 જેટલા કોલ મળ્યા હતા. વર્ષ 2021માં 2295 કોલ મળ્યા હતા. ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે પતંગને કારણે બે લોકોનો જીવ પણ ગયો હતો.
ઉતરાયણ પર્વને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજકોટમાં પતંગ લૂંટવા જતા એક તરુણે જીવ ગુમાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર શહેરમા પતંગ લૂંટવા જતા એક તરુણનું ટ્રેનની અડફેટે મોત થયું હતું. રાજકોટમાં કોઠારિયા સોલવન્ટ પાસે પતંગ લૂંટવા જતા એક તરૂણનું ટ્રેનની અડફેટે આવી જતા મોત થયું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
પાટણમાં પણ ઉત્તરાયણ પર એક દુઃખદ ઘટના બની હતી. એક છોકરાનું કરંટ લાગતાં મોત નીપજ્યું છે.15 વર્ષના શુભમ નામના કિશોરનું કરંટ લાગતા મોત થયું છે. તે મિત્રો સાથે ધાબા પર પતંગ ચગાવતો હતો ત્યારે કરંટ લાગ્યો હતો. પ્રતિબંધિત દોરો કિશોરનું મોતનો કારણ બન્યો. તેના માતા પિતાના એકના એક દીકરાનું મોત થયું.