BJP News: આજે ભાજપનો 45મો સ્થાપના દિવસ, 7 થી 12 એપ્રિલ સુધી યોજાશે આ ખાસ કાર્યક્રમો
BJP News: ભારતીય જનતા પાર્ટી માટે આજે મહત્વનો અને મોટો દિવસ છે, આજે ભાજપનો 45મો સ્થાપના દિવસ છે

BJP News: આજે 6ઠ્ઠી એપ્રિલ, આજે ભારતીય જનતા પાર્ટી માટે ખાસ દિવસ છે, આજના દિવસે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઇ હતી, અને તેના આજે 45 વર્ષ થયા છે. 6, એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો સ્થાપના દિવસ. 1980માં ભાજપને જનસંઘથી ભાજપ તરીકે ઓળખ મળી હતી. અત્યારે કેન્દ્રમાં ભાજપનું સળંગ ત્રણ ટર્મથી શાસન છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી તરીકે આ ત્રીજી ટર્મ છે. ગુજરાત ભાજપે પોતાના કાર્યકર્તાઓને ખાસ રીતે કાર્યક્રમોની ઉજવણી કરવા સૂચના પણ આપી છે, અહીં એક નજર કરીએ 7 થી 12 એપ્રિલ સુધી કયા કયા કાર્યક્રમો યોજાશે...
ભારતીય જનતા પાર્ટી માટે આજે મહત્વનો અને મોટો દિવસ છે, આજે ભાજપનો 45મો સ્થાપના દિવસ છે, આ દિવસને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની ઉજવણી કરવામાં આવનારી છે. કાર્યક્રમોની રૂપરેખા પ્રમાણે, જોઇએ તો, 7 થી 12 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો યોજવા ભાજપ નેતૃત્વની કાર્યકર્તાઓને ખાસ સૂચના છે. 7 થી 9 એપ્રિલ દરમિયાન ભાજપના સક્રિય સભ્યોના સંમેલન યોજાશે, આ ઉપરાંત 10 થી 12 એપ્રિલ દરમિયાન ગાંવ-બસ્તી ચાલો અભિયાન ચલાવામાં આવશે. અભિયાન માટે 5 સભ્યોની ટીમની ભાજપે રચના કરી છે.
આ કાર્યક્રમો માટે ભાજપે ટીમના પ્રદેશ સંયોજક તરીકે પ્રદેશ મહામંત્રી રજની પટેલની નિમણૂંક કરી છે. મધ્ય ઝૉનના સહ સંયોજક તરીકે ડૉ.ભરત ડાંગરની નિમણૂંક કરવામાં આવી છે, સૌરાષ્ટ્ર ઝૉનના સહ સંયોજક તરીકે કશ્યમ શુક્લની નિમણૂંક કરવામાં આવી છે. દક્ષિણ ઝૉનના સહ સંયોજક તરીકે જગદીશ પારેખની નિમણૂંક કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના સહ સંયોજક તરીકે બીપીન સિક્કાની નિમણૂંક કરવામાં આવી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓ અભિયાનમાં જોડાશે. નદી, તળાવ, મંદિર, શાળા, કોલેજ પરિસરમાં સફાઈ કરાશે, ગ્રામ્ય વિસ્તારમાં સાંજના સમયે ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવશે. ભાજપના વરિષ્ઠ કાર્યકર્તાઓ, કાર સેવકોનું આ દરમિયાન સન્માન કરવામાં આવશે.
ભાજપ પક્ષનો ઇતિહાસ
ભારતીય જનતા પાર્ટી, જે દેશ અને દુનિયામાં ભાજપના નામે ઓળખાય છે, એનો આજે 45મો સ્થાપના દિવસ છે. મૂળ ભારતીય જનસંઘથી આરંભાયેલી વિચારસરણી 1980માં ભારતીય જનતા પાર્ટીમાં પરિણમી. ભાજપનું શાસન છેલ્લી ત્રણ ટર્મથી કેન્દ્રમાં અને 1995થી ગુજરાતમાં અવિરત રહ્યું છે. ભાજપની સ્થાપના પછી ભાજપને દેશવ્યાપી રાજકીય બનાવવામાં વાજપેયી અને અડવાણીનો સિંહફાળો છે. હાલ ભાજપના મજબૂત આધાર તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ માનવામાં આવે છે. ભાજપના ઈતિહાસમાં મહત્વનું પરિબળ હિંદુત્વ અને હિંદુ હિતનો મુદ્દો રહ્યા છે. એક સમયે તત્કાલીન પ્રધાનમંત્રી જવાહર નહેરુના મંત્રીમંડળમાંથી રાજીનામું આપી ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી અને એ સમયના સર સંઘ સંચાલક ગોલવલકર વચ્ચે સતત મંત્રણા થતી અને એ મંથન થકી 21, ઓક્ટોબર - 1951ના રોજ ભારતીય જનસંઘની સ્થાપના થઈ. મૂળે તો ભારતીય જન સંઘ એ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS)ના રાજકીય સંગઠન તરીકે રચાયું હતુ. જેનો મૂખ્ય ઉદ્દેશ ભારતીય ખ્યાલ પ્રમાણે દેશમાં રાજનીતિ કરવાનો હતો. આ સાથે ભારતીય જન સંધનો ઉદ્દેશ રાષ્ટ્રીય એકતા, દેશની અખંડ સરહદો, આર્થિક સમાનતા, માતૃભાષામાં શિક્ષણ આપવાનો હતો. પોતાના આંરભથી જ ભારતીય જન સંઘ માટે ગૌરક્ષા અને હિંદુત્વ અગ્રીમ સ્તરે રહ્યા હતા. ભારતીય જન સંઘે 1952થી પક્ષીય રાજકારણમાં પોતાનો પ્રભાવ જમાવ્યો અને ચૂંટણી લડી પોતાના ભાવિનો ચીલો ચાતર્યો હતો. ભારતીય જન સંઘ ત્યાર બાદ જનતા પક્ષની સાથે રહ્યો. છેવટે 6, એપ્રિલ - 1980ના રોજ મુંબઈ ખાતે ભાજપના સ્થાપના અધિવેશનમાં એક સ્વતંત્ર રાજકીય પક્ષ તરીકે રચાયો.
નરેન્દ્ર મોદી અને ભાજપનો સૂવર્ણકાળ
વર્ષ - 2001માં નરેન્દ્ર મોદીએ ભાજપના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને રાજ્ય તથા દેશની રાજનીતિમાં બદલાવની શરૂઆત થઈ. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી બનતાની સાથે ઊર્જા, જળ, કૃષિ અને વેપાર ઉદ્યોગ ક્ષેત્રે પાયાના બદલાવની શરૂઆત થઈ. નરેન્દ્ર મોદીએ ગુજરાતને વાયબ્રન્ટ ગુજરાત અને દેશમાં મોડલ સ્ટેટ બનાવવાનો નારો આપ્યો હતો. પણ મુખ્યમંત્રી બનવાના થોડા સમયમાં જ ગોધરાકાંડ અને અનુ ગોધરાકાંડ સર્જાતા મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની દેશભરમાં ટીકા થઈ. તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીએ તેમને જાહેર મંચ ઉપર રાજધર્મનું પાલન કરવાની સલાહ આપી. તો બીજી તરફ નરેન્દ્ર મોદીની હિંદુનેતા તરીકેની છબી મજબૂત બનતી ગઈ. એક સમયે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગો ગુજરાત આવવા માટે આચકાતા હતા તો એ સામે નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટ થકી ગુજરાતને પૂર્વના દાઓસ તરીકે ઓળખ અપાવી. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આંતર માળખાકીય વિકાસ પર જોર આપ્યું અને ગુજરાતની આધુનિક ઓળખ બનાવી વર્ષ - 2014ની લોકસભા ચૂંટણી માટે એક મોડલ સ્ટેટ તરીકે દેશભરમાં ગુજરાતને રજૂ કરીને ગુજરાતના મુખ્યમંત્રીથી દેશના વડાપ્રધાન તરીકેની સફર ખેડી. એવું કહેવાય છે કે, ભાજપ ને એક રાજકીય પક્ષ તરીકે ગુજરાત હંમેશાથી ફળ્યું છે, તો ગુજરાતને કેન્દ્રમાં ભાજપની સરકાર ફળી છે.





















