Morbi Bridge Collapse: પુલનું રિનોવેશન કરનારી કંપનીએ 8-10 વર્ષ સુધી પુલ ટકવાનો દાવો કર્યો હતો, તો કઈ રીતે તુટ્યો પુલ?
30 ઓક્ટોબર અને રવિવારની સાંજ મોરબીમાં મોટી કરુણ દુર્ઘટનાની સાક્ષી બની હતી.
Gujarat Morbi Bridge Collapse: 30 ઓક્ટોબર અને રવિવારની સાંજ મોરબીમાં મોટી કરુણ દુર્ઘટનાની સાક્ષી બની હતી. મોરબીમાં મચ્છૂ નદી પર બનેલો ઝૂલતો પુલ તુટી પડતાં સર્જાયેલી દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 141 લોકોનાં મોત થઈ ચુક્યાં છે. આ ઝૂલતા પુલનું રિનોવેશન કર્યા બાદ બેસતા વર્ષના દિવસે ખુલ્લો મુકાયો હતો.
8-10 વર્ષ સુધી પુલ ટકવાનો દાવોઃ
લગભગ 150 વર્ષ જુના આ પુલનું રિનોવેશન કરનાર ખાનગી કંપનીએ આ દુર્ઘટના ઘટી તે પહેલાં દાવો કર્યો હતો કે, તેમણે લેટેસ્ટ ટેક્નોલોજી સાથે પુલનું રિનોવેશન કર્યું છે. આ રિનોવેશન કર્યા બાદ આ પુલ ઓછામાં ઓછો 8 થી 10 વર્ષ સુધી ટકશે અને કોઈ ખતરો નહી ઉભો થાય.
2 કરોડના ખર્ચે થયું હતું રિનોવેશનઃ
મોરબીના ઝૂલતા પુલની સંભાળ રાખવા માટેનો જે કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો હતો તે કંપની ઓરેવા ગ્રુપના વહીવટી સંચાલકે 24 ઓક્ટોબરના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં પુલના ઘણા વર્ષો સુધી ટકી રહેવાની વાત કરી હતી. ઓરેવા ગ્રુપના વહીવટી સંચાલક દીપક પારેખે કહ્યું હતું કે, "જો લોકો સંપત્તિને નુકસાન પહોંચાડ્યા વગર અહીં મોજ-મસ્તી કરવા માટે આવે છે તો, નવીનીકરણ થયાના 15 વર્ષો સુધી પુલ ટકી રહેશે. પુલને 100 ટકા રિનોવેશન ફક્ત 2 કરોડમાં કરવામાં આવ્યું છે."
125 લોકોનું વજન ઉઠાવા સક્ષમ હતો પુલઃ
ઘડીયાળ અને ઈલેક્ટ્રિક બાઈક બનાવતી કંપની અજંતા-ઓરેવાએ પુલનું રિનોવેશન કરાવ્યા બાદ પુલ પર લોકોને પ્રવેશ આપવા માટે 17 રુપિયાની ટિકિટ નક્કી કરી હતી. અજંતા ઓરેવા ગ્રુપ દ્વારા પુલને જલ્દી ખોલવાની સાથે સાથે સુરક્ષાના નિયમોને પણ તોડવામાં આવ્યા હતા. રવિવારે સાંજે જ્યારે કેબલ બ્રિજ તુટ્યો ત્યારે બ્રિજ ઉપર અંદાજે 500 જેટલા લોકો ભેગા થયા હતા. અધિકારીઓએ જણાવ્યા મુજબ, આ પુલ ફક્ત 125 લોકોનું વજન ઉઠવવા માટે જ સક્ષમ હતો. આમ પુલ પર લોકોને મોટી સંખ્યામાં પ્રવેશ આપવો એ મોટી ભૂલ સાબિત થઈ હતી.
મોરબીમાં ઝૂલતા પુલ તૂટી પડવાના કેસમાં પોલીસ ફરિયાદ બાદ એક્શનમાં આવી છે. પોલીસે આ મામલે નવ લોકોની અટકાયત કરી હતી. પુલના પ્રબંધક, મેઇન્ટેનન્સ સંભાળનારી અટકાયત કરવામાં આવી હતી. મેનેજમેન્ટ સાથે સંકળાયેલા તમામ લોકોની પૂછપરછ કરાઇ હતી.
પોલીસે અલગ અલગ 22 ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી. મોરબી હોનારતમાં બેદરકારી દાખવનાર ઓરેવાના નામે અમદાવાદમાં ફાર્મ હાઉસ છે. કંપનીના સંચાલક અને ફાર્મના મેનેજર ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ઘટનાના કલાકો બાદ પણ કંપનીના સંચાલકો કાયદાની પકડથી દૂર છે.