Gujarat Rain: અરવલ્લીમાં યુવક પાણીમાં તણાયો, મામલતદાર ,પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી
Gujarat Rain: અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. ધનસુરા તાલુકામાં સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. ધનસુરા નગરમાં ધોધમાર વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા છે.
Gujarat Rain: અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. ધનસુરા તાલુકામાં સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. ધનસુરા નગરમાં ધોધમાર વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા છે. મોડાસા - કપડવંજ ધોરીમાર્ગ ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ ધનસુરા નજીક યુવક પાણીના પ્રવાહમાં તણાયો હોવાની ઘટના બની છે. અમરાપુર ગામે વાંઘામાં યુવક પાણીમાં તણાયો છે. પાણીનો પ્રવાહ વધતા યુવક તણાયો હતો.
ઘટનાની જાણ થતા મામલતદાર ,પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. બોટ દ્વારા રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગામમાં જવાના માર્ગે ઘૂંટણસમા પાણી ભરાયા છે. તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
બાયડમાં આભ ફાટ્યું
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ આફતરૂપ બની ગયો છે. બાયડમાં મૂશળધાર વરસાદના કારણે ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. રાજ્યમાં હાલ મોટાભાગના જિલ્લામાં મેઘરાજા વરસી રહ્યાં છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અનારાધાર વરસાદ આફતરૂપ બની રહ્યો છે. બાયડમાં સવારથી જ સતત વરસતા વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. અહીં બાયડ તાલુકાના જીતપુરમાં એક જ કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અહીં જીતગામના દરેક રસ્તા જળમગ્ન બનતા જીતપુર ગામ નદી બની ગયું હોય અને પાણીમા ગરકાવ થઇ ગયું હોય તેવું સ્થિતિ સર્જાઇ છે. તઆ ગામની દરેક ગલીમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
સવારથી અત્યાર સુધીમાં ક્યાં કેટલો થયો વરસાદ
- મહુવા 5.30 ઈંચ
- બારડોલી 4.50 ઈંચ
- કુકરમુડા 4.50 ઈંચ
- વ્યારા 4.25 ઈંચ
- ઉના 4 ઈંચ
- વાલોડ 3.5 ઈંચ
- નિઝર 2.75 ઈંચ
- બાયડ 2.75 ઈંચ
- મહેમદાવાદ 2.75 ઈંચ
- તિલકવાડા 2.50 ઈંચ
- સુત્રાપાડા 2.50 ઈંચ
- સોનગઢ 2.50 ઈંચ
- સુબિર 2.25 ઈંચ
- બાલાસિનોર 2.25 ઈંચ
- ડોલવડ 2 ઈંચ
- ધનસુરા 2 ઈંચ
- નાંદોદ 2 ઈંચ
- મહુધા 2 ઈંચ
- ગળતેશ્વર 2 ઈંચ
- કોડીનાર 2 ઈંચ
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહયો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં હાલ વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવા ઝાપટા પડી રહ્યાં છે. હવામાન વિભાગે હજું પણ આગામી 4 દિવસ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનો અનુમાન છે. 55 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. ભારે પવન સાથે વરસાદના અનુમાનને જોતા માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના અપાઇ છે.
હવામાનના અનુમાન મુજબ કચ્છ-સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે. તો વરસાદની આશંકાને જોતા સુરત, વલસાડ, નવસારી અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આગામી 4 દિવસ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં પણ ભારે વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. આગામી 4 દિવસ સમગ્ર ગુજરાતમાં પણ ભારે વરસાદનો અનુમાન છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદમાં પણ આગામી 2 દિવસ ધોધમાર વરસાદ વરસી શકે છે. ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજ અને આવતી કાલે વરસાદનો અનુમાન છે.
નવસારી જિલ્લામાં આજે સવારથી મેઘરાજા મનમૂકીને વરસરી રહ્યાં છે. સમગ્ર જિલ્લામાં અહીં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. નવસારીના ચીખલી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. ચીખલી સહિત આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, મૂશળધાર વરસાદ વરસતા કાવેરી નદીમાં પાણીની ભારે આવક થઇ છે. નાના ચેકડેમ પણ છલકાઇ જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.