રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે અમરેલી જિલ્લામાં ભારે પવન સાથે કરા વરસ્યા
એક તરફ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે તેની વચ્ચે જ અમરેલી જિલ્લાના કેટલાક તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે.
અમરેલી: એક તરફ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે તેની વચ્ચે જ અમરેલી જિલ્લાના કેટલાક તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલીના ખાંભા અને સાવરકુંડલા તાલુકાના ઘનશ્યામનગરમાં ભારે પવન સાથે કરા વરસ્યા છે. માવઠાના કારણે ખેડૂતોના કેરી સહિતના પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે. બપોર સુધી ખાંભા અને ઘનશ્યામનગરમાં 40 ડિગ્રીથી વધુ ગરમી હતી. સાંજ થતા ઓચિંતા કરા સાથે વરસાદ વરસ્યો છે. કેરી અને ખેતરમાં તૈયાર થયેલી ડુંગળીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે. જ્યારે ખાંભાના પીપળીયા, ભણીયા, નાનુડી ગામમાં હળવો વરસાદ વરસ્યો છે. સાવરકુંડલાના આદસંગ અને થોરડી ગામમાં ભારે પવન ફૂંકાયો હતો.
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હવામાન વિભાગે કચ્છ અને કંડલામાં હીટ વેવની આગાહી કરી છે. અમદાવાદમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે 44 ડિગ્રી તાપમાન પહોંચવાનું અનુમાન છે. સતત ત્રીજા દિવસે અમદાવાદ, ખેડા અને આણંદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે.
વડોદરા, પંચમહાલ, મહેસાણામાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો છે. રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. કાળઝાળ ગરમીને જોતા કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરીને લોકોને ચેતવણી આપી છે. સખત ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. જો જરૂરી હોય તો છત્રી સાથે રાખો અથવા સીધા સૂર્યપ્રકાશથી બચવા માટે ટોપી, ટુવાલ, સ્કાર્ફ વગેરેથી ઢાંકીને બહાર નીકળો. આ સાથે જ ખુલ્લા પગે તડકામાં બહાર જવાનું ટાળો, પીવામાં વધારે પાણીનું સેવન કરો, ORS વગેરે લો, મોસમી જેવા ફળો અને શાકભાજી ખાઓ. મહાનગરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચતા રસ્તાઓ સૂમસામ બન્યા છે. લોકો બપોરના સમયે કામ સિવાય બહાર નિકળવાનું ટાળી રહ્યા છે.